મતદાર યાદીમાંથી નામ કમી કરવા ફોર્મ નં. 7નો દુરુપયોગ થયો હોવાનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
- Advertisement -
ધ્રાંગધ્રા તાલુકાના નિમકનગર ગામમાં મતદાર યાદી સુધારણા (સર) કામગીરીને લઈને વિવાદ ઊભો થયો છે. રાજ્ય અને દેશભરમાં છેલ્લા દોઢેક મહિનાથી ચાલી રહેલી મતદાર યાદી વિશેષ સુધારણા ઝુંબેશ બાદ કેટલાક મતદારોના નામ યાદીમાંથી દૂર કરવાના મુદ્દે પ્રશ્ર્નો ઉઠ્યા છે. નિમકનગર ગામના સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે મતદાર યાદીમાંથી તેમના નામ ખોટી રીતે કમી કરવા માટે ફોર્મ નં. 7નો દુરુપયોગ કરવામાં આવ્યો છે. તેઓનું કહેવું છે કે તેઓ હાલ નિમકનગર ગામે જ નિવાસ કરતા હોવા છતાં અયોગ્ય કારણો દર્શાવી તેમના નામ યાદીમાંથી દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
આ મુદ્દાને લઈને ગામના રહેવાસીઓએ ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી તેમજ મામલતદારને આવેદન પત્ર પાઠવી સમગ્ર મામલે નિષ્પક્ષ અને સઘન તપાસ કરવાની માંગણી કરી છે. સાથે જ ખોટી રીતે અરજી કરનાર શખ્સો સામે કાયદેસર અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જો મતદાર યાદીમાંથી નામ ખોટી રીતે દૂર થશે તો લોકશાહી પ્રક્રિયામાં તેમનો મતાધિકાર છીનવાઈ જશે, જે ગંભીર બાબત છે. તેથી યોગ્ય તપાસ કરી હકદાર મતદારોના નામ ફરીથી યાદીમાં સામેલ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી છે.



