મહાશિવરાત્રિ મેળાની તસવીર યાત્રા
સંતને રોકવા બદલ ઉમા ભારતીએ ચાર્ટર્ડ પ્લેનમાં આવી બીલખા આશ્રમે માફી માંગવી પડી હતી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
તાજેતરમાં શંકરાચાર્યજીને સ્નાન ન કરવા દેવાના વિવાદે ભારે ચર્ચા જગાવી છે, જેના કારણે નારાજ શંકરાચાર્ય સ્નાન કર્યા વિના જ પરત ફર્યા હતા. આ ઘટનાએ જૂનાગઢના ભવનાથ તળેટીમાં યોજાતા શિવરાત્રી મેળા દરમિયાન ભૂતકાળમાં વર્ષ 2009માં બનેલી આવી જ ગંભીર ઘટનાઓની યાદ તાજી કરી દીધી છે. સાધુ-સંતોના અપમાન અને અખાડાઓના આંતરિક રાજકારણનો ઇતિહાસ વર્ષો જૂનો છે.
ભવનાથમાં અગ્નિ અખાડાને રવાડી અને સ્નાનથી રોકાયાનો ભૂતકાળમાં ભવનાથ તળેટીના મેળા દરમિયાન અગ્નિ અખાડા અને પ્રશાસન વચ્ચે મોટો વિવાદ સર્જાયો હતો. તે સમયે અગ્નિ અખાડાના સાધુ-સંતોને રવાડીમાં જોડાતા અને મૃગીકુંડમાં સ્નાન કરતા અટકાવવા માટે પોલીસ અને પ્રશાસને રીતસરનું દમન ગુજાર્યું હતું. પ્રશાસને અગ્નિ અખાડાને ચારે તરફથી ઘેરી લીધો હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સંતોને દરવાજા પર જ રોકી દઈ બંધક જેવી સ્થિતિમાં મૂકી દેવામાં આવ્યા હતા, જેથી કોઈ બહાર નીકળી ન શકે. અગ્નિ અખાડાના સભાપતિ પૂજ્ય ગોપાલાનંદજી બાપુએ તે સમયે અત્યંત મોટું મન રાખ્યું હતું. લાખો ભાવિકોનો મેળો ડિસ્ટર્બ ન થાય અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી તેમણે અપમાનનો ઘૂંટડો ગળીને સ્નાન અને રવાડીમાં ન જવાનો નિર્ણય લીધો હતો.
આ ઘટના બાદ રાષ્ટ્રીય નેતા અને સાધ્વી ઉમા ભારતીજી ખાસ ચાર્ટર્ડ પ્લેન દ્વારા કેશોદ એરપોર્ટ ઉતર્યા હતા. ત્યાંથી તેઓ સીધા બીલખા આશ્રમ પહોંચ્યા હતા અને પોતાના ગુરુજી સાથે મળીને પૂજ્ય ગોપાલાનંદજી બાપુની માફી માંગી હતી. ઉમા ભારતીજીએ બાપુની ધીર-ગંભીર પ્રકૃતિ, સાદગી અને ત્યાગભાવનાને વંદન કર્યા હતા. અખાડાના આંતરિક ખટરાગનો ભોગ બનતા સંતો માત્ર પ્રશાસન જ નહીં, પરંતુ અખાડાઓના આંતરિક વિખવાદ અને વરિષ્ઠ સંતોના અંદરોઅંદરના ખટરાગ પણ ઘણીવાર વિવાદનું કારણ બને છે. થોડા વર્ષો પૂર્વે ભારતી આશ્રમના મહંત પૂજ્ય વિશ્વંભર ભારતી બાપુને પણ આવી જ રીતે રવાડી અને શાહી સ્નાનમાં જોડાતા રોકવામાં આવ્યા હતા. સંતોના અંદરોઅંદરના ડખાને કારણે તેમને ભારતી આશ્રમ ખાતે જ રોકી દેવાયા હતા. આમ, સંતોને સ્નાનથી વંચિત રાખવાની પરંપરા નવી નથી, પરંતુ શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્રો પર સત્તા અને અહંકારના ટકરાવની આ ઘટનાઓ ભક્તોની લાગણી દુભાવનારી સાબિત થતી રહી છે.



