જૂનાગઢ મહાશિવરાત્રિ મેળા પૂર્વે વહીવટી તંત્ર ઊંધા માથે
પીજીવીસીએલ અંડર ગ્રાઉન્ડ કેબલ કામગીરી પૂર્ણ થયે ખાડા બુરશે?
- Advertisement -
દીવાન ચોક, સેજના ઓટાથી ગિરનાર દરવાજા, દોલતપરાથી ઝૂ સુધી રસ્તાની હાલત નાજુક
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
જૂનાગઢની ગિરનાર તળેટીમાં આદિ અનાદિ કાળથી પરંપરાગત રીતે યોજાતો સુપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળો હવે ગણતરીના દિવસોમાં જ શરૂ થવા જઈ રહ્યો છે. દર વર્ષે દેશ-વિદેશમાંથી 10 લાખથી વધુ ભાવિકો અને હજારો સાધુ-સંતોના મહેરામણથી ગુંજી ઉઠતી ભવનાથ તળેટીમાં આ વખતે પણ ભવ્ય આયોજનની તૈયારીઓ કાગળ પર જોરશોરથી ચાલી રહી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંતો અને વહીવટી તંત્ર સાથે ત્રણ-ત્રણ બેઠકો યોજી છે, પરંતુ મેળાના પૂર્વે જ જમીની હકીકત કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. આ વર્ષે મહાશિવરાત્રી મેળાને વધુ સુદ્રઢ અને સુવિધાજનક બનાવવા માટે રાજ્ય સરકાર અત્યંત ગંભીર જણાઈ રહી છે. ખાસ કરીને હર્ષ સંઘવીએ ભવનાથ ક્ષેત્રના વરિષ્ઠ સંતો, અખાડાના પ્રતિનિધિઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજી છે. આ બેઠકોનો મુખ્ય એજન્ડા મેળા દરમિયાન ભાવિકોને મુશ્કેલી ન પડે, ટ્રાફિક વ્યવસ્થા જળવાય અને ધાર્મિક પરંપરાઓ જળવાય તેવો રહ્યો છે. સત્તાધીશો દ્વારા મેળાને “ભવ્યથી ભવ્ય” બનાવવાની ખાતરી આપવામાં આવી છે. મેળાની સત્તાવાર શરૂઆત આગામી 11 ફેબ્રુઆરીના રોજ ભવનાથ મહાદેવના મંદિરે ધ્વજારોહણ સાથે થશે. હવે જ્યારે માત્ર 9 દિવસનો સમય બાકી રહ્યો છે, ત્યારે શહેર અને તળેટીને જોડતા મુખ્ય માર્ગોની હાલત અત્યંત દયનીય છે જેમાં શહેરના મધ્યભાગમાં આવેલા દીવાન ચોકથી સેજના ઓટા થઈને ગિરનાર દરવાજા સુધીનો રસ્તો અત્યંત બિસમાર છે. આ એ માર્ગ છે જ્યાંથી હજારો પગપાળા યાત્રિકો પસાર થતા હોય છે. નિજી તરફ રાજકોટ તરફથી આવતા પ્રવાસીઓ માટેનો મુખ્ય પ્રવેશદ્વાર એટલે દોલતપરાથી સક્કરબાગ ઝૂ સુધીનો એક તરફનો રસ્તો ભારે ખાડાઓ અને ધૂળથી ખદબદ્યો છે. જો મેળો શરૂ થાય અને રસ્તાની આ જ સ્થિતિ રહે, તો ટ્રાફિક જામની ભયંકર સમસ્યા સર્જાઈ શકે છે તેમજ તળેટીમાં આવેલા રોપ-વે સ્ટેશન તરફ જવાનો માર્ગ પણ ક્ષતિગ્રસ્ત છે. પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હોવા છતાં અહીં રસ્તાના ઠેકાણા નથી. ત્યારે બીજી તરફ પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ દ્વારા તળેટી વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલ નાખવા માટે ઠેર-ઠેર ખાડા ખોદવામાં આવ્યા છે. મેળાને હવે ગણતરીના દિવસો બાકી હોવા છતાં આ કામગીરી હજુ પૂર્ણ થઈ નથી. ખોદાયેલા ખાડાઓને કારણે રસ્તો વધુ સાંકડો બન્યો છે, જે યાત્રિકો અને વાહનો માટે જોખમી સાબિત થઈ શકે છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું વહીવટી તંત્ર આગામી 9 દિવસમાં આ તમામ માર્ગોનું નવીનીકરણ કે સમારકામ કરી શકશે? 10 લાખ ભાવિકો જ્યારે જૂનાગઢમાં ઉમટશે ત્યારે બિસમાર રસ્તાઓ અકસ્માત અને અવ્યવસ્થાનું કારણ બની શકે છે. સંતો અને સ્થાનિકોમાં પણ અંદરખાને રોષ જોવા મળી રહ્યો છે કે મંત્રીઓની મિટિંગો માત્ર ચર્ચાઓ પૂરતી સીમિત રહી જશે કે જમીન પર કોઈ નક્કર કામગીરી દેખાશે? ભવનાથનો મેળો એ માત્ર જૂનાગઢ નહીં પણ સમગ્ર ગુજરાતની આસ્થાનું કેન્દ્ર છે. વહીવટી તંત્ર કમર કસી રહ્યું હોવાના દાવા તો કરે છે, પરંતુ જો સમયસર રસ્તાઓનું પેચવર્ક કે ડામરકામ પૂર્ણ નહીં થાય, તો શ્રદ્ધાળુઓની આસ્થાના મેળામાં વહીવટી નબળાઈના ખાડાઓ ભારે પડી શકે છે.



