પૂનમ નિમિત્તે હજારો ભાવિકો દ્વારકામાં ઉમટી પડ્યા
સિક્યુરિટી પોલીસ પુરતો સમય આપ્યા વગર ધક્કા મારી તગેડતા હોવાનો ભાવિકોનો આક્ષેપ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા
રવિવારે મહામાસની પૂનમ નિમિતે દ્વારકામાં ઠાકોરજીના દર્શન માટે હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા. અહીં પ6 સિડી પાસે ભાવિકોની ધક્કામુક્કી થવાથી અવ્યવસ્થા સર્જાઈ ગઈ હતી.
દ્વારકામાં શાળા કોલેજોમાં રજાના દિવસે, વેકેશનમાં તથા અગિયારસ અને પૂનમ તથા સરકારી કચેરીઓમાં રવિવાર સહિતની રજાઓના દિવસે ઠાકોરજીના દર્શન માટે સમગ્ર ગુજરાતમાંથી ભાવિકો ઉમટી પડે છે. અનેક ભાવિકોએ પૂનમના દિવસે દર્શન કરવાની ટેક લીધી હોય છે. આથી દૂરદૂરથી ભાવિકો દ્વારકામાં આવીને દર્શન લાભ લે છે. આ સમયે લોકોની ભારે ભીડ જામી જાય છે. આજ પૂનમ નિમિતે જગતમંદિરે વહેલી સવારે મંદિરના દ્વાર ખુલે એ પહેલા જ મંગળા દર્શન કરવા માટે ભારે ભીડ જામી ગઈ હતી. છપ્પન સીડી પાસે સ્વર્ગ દ્વાર નજીક વૃદ્ધો બાળકો, મહિલાઓ ભીડમા ફસાઈ જતાં ધક્કા મુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. અહીની સિક્યુરિટી પોલીસ સામે ભાવિકોનો રોષ છે કે દર્શનાર્થીઓને અપમાનિત સ્થિતિમાં ધક્કા મારીને આગળ ધકેલે છે જેના કારણે લોકો યોગ્ય રીતે દર્શનનો લાભ લઈ શકતા નથી. ખાસ કરીને ભીડના દિવસે દરેક યાત્રિકને યોગ્ય સમય મળે અને દર્શન સારી રીતે કરી શકે એ માટે કોઈ વ્યવસ્થિત આયોજનની કાયમી જરૂર છે.



