સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પૂર્વ ઈન્ચાર્જ વાઈસ ચાન્સલર ગિરીશ ભીમાણીએ લખણ ઝળકાવ્યા
‘લે બેટા…કોલ્ડ્રીંક્સ પી’ કહી નશામાં 10 વિદ્યાર્થિની સાથે અડપલાં બાદ ભીમાણીની હકાલપટ્ટી કરતાં વસંત ગજેરા
- Advertisement -
અમરેલી વિદ્યાસભાની બીસીએ કોલેજના વિદ્યાર્થીઓ આબુ પ્રવાસે ગયો હતો
પ્રવાસમાં ગયેલી યુવતીઓની પાછળ પોતાની કાર લઇ ગીરીશ ભીમાણી આબુ પહોંચ્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અમરેલી જિલ્લાના શિક્ષણ જગતને કંલક લગાડતી એક ઘટનામાં વિદ્યાસભાની બીસીએ કોલેજની છાત્રાઓ આબુના પ્રવાસે ગઈ હતી ત્યારે કોલેજના નિયામક ગીરીશ ભીમાણીએ પાછળથી પોતાની કાર લઈ આબુ પહોંચી નશાની હાલતમાં 10 જેટલી છાત્રાઓની છેડતી કરી અડપલા કર્યાનું બહાર આવ્યું છે. વિધાનસભાના પ્રમુખ વસંતભાઇ ગજેરાએ જણાવ્યું હતું કે છાત્રોની છેડતી અંગે રજૂઆત મળતા વિદ્યાસભાએ તાબડતોબ ભીમાણીની હકાલપટ્ટી કરી છે. છાત્રાઓ આ મુદ્દે પોલીસ મથકે પણ પહોંચી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પૂર્વ વાઈસ ચાન્સલર ગીરીશ ભીમાણીએ આબુમાં લખણ ઝળકાવ્યા છે. યુનિવર્સીટીમાંથી નિવૃત થયા બાદ જાણકાર હોવાના નાતે અમરેલી જિલ્લા વિદ્યાસભામાં તેને કોલેજ વિભાગમાં નિયામક બનાવવામાં આવ્યા હતા. પરંતુ અહીં પણ તેમણે પોત પ્રકાશ્યું હતું અને કોલેજની છાત્રાઓની છેડતી કરી હતી. અમરેલી એબીવીપીના અગ્રણી ભીષ્મ ભરાડે જણાવ્યું હતું કે અહીંની બીસીએ કોલેજના છાત્ર- છાત્રાઓનો એક પ્રવાસ ત્રણ દિવસ પહેલા આબુ ગયો હતો. આ પ્રવાસનો છેલ્લો દિવસ હતો. ત્યારે ગીરીશ ભીમાણી પોતાની કાર લઈ આબુ પહોંચી ગયા હતા.
એબીવીપીના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે દારૂના નશામાં ભીમાણીએ છાત્રાઓને સારી હોટલમાં રહેવાની અને કોલ્ડ્રીંક્સ પીવડાવવાની લાલચ આપી હતી અને આ બહાને 10 જેટલી છાત્રાઓના શરીરે અડપલા કરી બીભત્સ વર્તન કર્યું હતું અને તેમની હાજરીમાં બીભત્સ વાર્તાલાપ કર્યો હતો. સાથે ગયેલા સ્ટાફે મામલો થાળે પાડ્યો હતો. પરંતુ છાત્રાઓએ એબીવીપીના આગેવાનોને વાત કરતા સવારે પ્રવાસ પરત આવ્યો ત્યારે કાર્યકરો વિદ્યાસભામાં પહોંચી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. છાત્રાઓ સાથે આ કાર્યકરો અમરેલી સીટી પોલીસ મથકે પણ દોડી ગઈ હતી. જો કે સ્થાનિક પોલીસ કર્મીઓએ તેને આ ફરિયાદ આબુમાં થઈ શકે તેમ સમજાવી વળાવી દીધા હતા. બીજી તરફ આ અંગે જાણ થતા વિદ્યાસભા મેનેજમેન્ટ દ્વારા ગીરીશ ભીમાણીને નિયામકના હોદ્દા પરથી તાબડતોબ દૂર કરવામાં આવ્યા છે. છાત્રોએ હવે ગીરીશ ભીમાણી વિદ્યાસભાના કેમ્પસમાં ક્યારેય પગ ન મુકે તેવી માંગ કરી છે.
શિક્ષણના ધામને અપવિત્ર કરનારા ગિરીશ ભીમાણી સામે જંગ
સાથે ગયેલાં સ્ટાફે પણ અમને કહ્યું કે આવું બન્યું હતું: ABVP
એબીવીપીના ભાવનગર વિભાગના સંયોજક ભીષ્મ ભરાડે જણાવ્યું હતું કે છાત્રાઓએ અગાઉ વાત કરી હોય અમે પ્રવાસ પરત આવવાના સમયે જ વિદ્યાસભામાં પહોંચ્યા હતા. સાથે ગયેલા સ્ટાફે પણ આવી ઘટના બની હોવાનું અમને જણાવ્યું હતું. જેથી અમે છાત્રાઓને લઈ પોલીસ મથકે પહોંચ્યા હતા.
રજૂઆત મળ્યા બાદ તેમને હોદ્દા પરથી દૂર કર્યા છે: વસંતભાઇ ગજેરા
અમરેલી જિલ્લા વિદ્યાસભાના ચેરમેન વસંતભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે કોલેજના પ્રવાસની ઘટના અંગે અમને મોખિક રજૂઆત મળી છે અને આજે ગીરીશ ભીમાણીને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે.
ગિરીશ ભીમાણીનું પૂતળું સળગાવ્યું, મોઢા પર શાહી લગાવી આક્રમક વિરોધ
શિક્ષણના ધામને અપવિત્ર કરનારા અને સત્તાના નશામાં ચૂર ભીમાણી સામે જંગ
NSUIની રેલી: ‘વિદ્યાર્થીનીઓની સુરક્ષા સાથે ચેડાં નહીં ચલાવાય’ના નારા લગાવ્યા
અમરેલી વિદ્યાસભાની બીસીએ કોલેજના વિદ્યાર્થિનીઓ શૈક્ષણિક પ્રવાસ અર્થે આબુ ગયા હતા ત્યારે એક શરમજનક ઘટનાએ શિક્ષણ જગતને કલંક લાગ્યુ છે. આ પ્રવાસ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણી પોતાની કાર લઈને પહોંચ્યા હતા અને નશાની હાલતમાં વિદ્યાર્થિનીઓ સાથે અડપલા અને અશોભનીય વર્તન કર્યું હોવાના ગંભીર આરોપો સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ, ભીમાણી દ્વારા લે બેટાકોલ્ડ ડ્રિંક્સ પી જેવા શબ્દો બોલીને અંદાજે 10 વિદ્યાર્થિનીઓને હેરાન કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાના વિરોધમાં રાજકોટમાં ગજઞઈં દ્વારા ઉગ્ર રેલી યોજાઈ હતી. ગજઞઈંના કાર્યકરો અને આગેવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠાવી હતી. રેલી દરમિયાન નારી શક્તિનું અપમાન કરનારા સામે સરકાર લાલ આંખ કરે, વિદ્યાર્થિનીઓની સુરક્ષા સાથે ચેડાં નહીં ચલાવાય અને પીડિત દીકરીઓને ન્યાય આપો જેવા નારા લગાવવામાં આવ્યા હતા.
વિરોધ પ્રદર્શન દરમિયાન ગજઞઈંએ વિવિધ પ્રતીકાત્મક કાર્યક્રમો યોજ્યા હતા. કાર્યકરોએ પૂર્વ કુલપતિનું પૂતળું દહન કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત, ચેમ્બરમાં ગંગાજળ છાંટી ‘શુદ્ધિકરણ’ કરાયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. કાળા મોઢાના પ્રતિકાર દ્વારા પણ કાળા કામ કરનારા સામે કડક સંદેશ આપવામાં આવ્યો હતો. ગજઞઈંના નેતાઓએ જણાવ્યું હતું કે શિક્ષણના ધામમાં રહેલા હોદ્દેદાર દ્વારા આવી ઘટના થવી અત્યંત ગંભીર છે અને તે સમગ્ર શિક્ષણ વ્યવસ્થાને લાંછન લગાવે છે. તેમણે પોલીસ તંત્રને જાગૃત થવા અને આરોપીને બચાવવાનો પ્રયાસ બંધ કરવાની અપીલ કરી હતી. જો સમયસર ન્યાય નહીં મળે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી પણ અપાઈ હતી. પીડિત વિદ્યાર્થિનીઓની સુરક્ષા અને માન-મર્યાદા જળવાઈ રહે તે માટે પોલીસ કડક અને નિષ્પક્ષ કાર્યવાહી કરે તેવી માગ સર્વત્રથી ઉઠી રહી છે.



