“ખેલશે ગુજરાત – ખીલશે ગુજરાત” અંતર્ગત છઠ્ઠી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા સંપન્ન
વિવિધ જિલ્લાઓમાંથી 423 સ્પર્ધકોએ ભાગ લઈ પોતાનું કૌવત દર્શાવ્યુ: 20 વિજેતા સ્પર્ધકોને રાજ્ય સરકાર દ્વારા 2.34 લાખના ઈનામો, ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તા. 2 જાન્યુઆરીઓસમ ડુંગરની ગોદમાં જાન્યુઆરીની કડકડતી ઠંડી વચ્ચે વહેલી સવારે ઉમંગ અને ઉત્સાહભર્યા માહોલમાં રાજ્યકક્ષાની છઠ્ઠી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા સફળતાપૂર્વક યોજાઈ હતી. યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સ્પર્ધાનું ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયાએ લીલી ઝંડી બતાવી ઉદ્ઘાટન કર્યું હતું.
આ સ્પર્ધામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 423 સ્પર્ધકોએ ભાગ લઈ પોતાનું કૌવત દર્શાવ્યું હતું. ભાઈઓની સ્પર્ધામાં મારવાણીયા વિહારએ 9.42 મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે બહેનોમાં બાવળીયા ત્રિશાએ 12.11 મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી વિજેતા બન્યા હતા. કુલ 20 વિજેતા સ્પર્ધકોને રાજ્ય સરકાર દ્વારા રૂ. 2.34 લાખના ઈનામો, ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. પાટણવાવ સ્થિત ઓસમ ડુંગર પર આવેલ માત્રી માતાના મંદિરથી ટપકેશ્વર મહાદેવ થઈ તળેટી સુધીની આ આરોહણ-અવરોહણ સ્પર્ધાએ ખેલાડીઓની સહનશક્તિ, ફિટનેસ અને મનોબળની કસોટી લીધી હતી.
સ્પર્ધામાં પ્રથમથી દસમો ક્રમ મેળવનાર ખેલાડીઓને રૂ.25 હજારથી રૂ.10 હજાર સુધીના ઈનામો આપી કુલ રૂ.2.34 લાખનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્પર્ધાનું સંચાલન હારૂનભાઈ વિહળે કર્યું હતું.
આ પ્રસંગે ઉપલેટાની કોલેજના ફિઝિકલ એજ્યુકેશન પ્રોફેસર બુટાણી અને ફિટનેસ કોચ પેથાણીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ પાટણવાવ ગામના અગ્રણી રાજુભાઈ પેથાણી દ્વારા વિજેતા ખેલાડીઓને રૂ.51 હજારની રકમથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.



