2026ના નવા સૂર્યોદય સાથે ફરી નવા ઉત્સાહ અને ઉમંગ સાથે નવા સંકલ્પો રચાશે, અને થશે નવા સાહસોના શ્રીગણેશ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.1
- Advertisement -
તારામંડળ સુધી પોતાની આભા પ્રસરાવતું સોમનાથ મંદિરનું ગૌરવાન્વિત શિખર, સનાતનની સદંતર અડગતા દર્શાવતા કેસરિયા રંગે રંગાયેલા આકાશમાં પ્રચંડ અનિલના વેગથી દેવદત્ત શંખની જેમ સોમનાથની નિરંતરતાની ઘોષણા કરતો કૌશેય ધ્વજ, અને દેવાધિદેવ સોમનાથ મહાદેવના ચરણ પ્રક્ષાલિત કરતો રત્નાકર સમુદ્ર સૂર્યને પોતાના હૃદય સ્થાનમાં સમાવી લેતો હોય તેવી લાગણી કરાવતી મનોહર સંધ્યા… આ દેવોને પણ દુર્લભ એવું વાતાવરણ ભક્તોને સમય,આકાંક્ષાઓ અને જીવનના લક્ષ્યાંકોથી પર કાળબાહ્યતાનો અનુભવ થયો હતો.
આશુતોષ ઓઢળદાની શ્રી સોમનાથના ચરણોમાં પરમ શાંતિ પ્રાપ્ત કરી રહ્યો હોય તેમ અસ્ત થયેલ સૂર્યની સાથે ભક્તોએ ગત મિથ્યા રહેલી અપેક્ષાઓને ત્યજીને પ્રત્યેક પરોઢે ઉદય થતા સૂર્યની જેમ નવી ચેતના અને ઉત્સાહ સાથે 2026ના વર્ષને પોતાનું બનાવવા અખૂટ પ્રેરણા પ્રાપ્ત કરી હતી. ત્યારે સુખ,દુ:ખ,ઉત્સાહ,નિરાશા એ તમામથી પરે યોગરાજ દેવોના દેવ મહાદેવના સોમનાથ દર્શન યુગ યુગાન્તરથી આર્ચકને પોતાની જાતને પુન: શોધી આપનાર, ભક્તે ખોયેલું તેજ પુન: આપનાર, દરેક સંકલ્પને સિદ્ધિ પ્રદાન કરનાર, દરેક પ્રયાણને વિજયશ્રી સુધી પહોંચાડનાર છે. ભક્તો પ્રત્યેક નવો પ્રારંભ જય સોમનાથના નાદ સાથે કરી સૌના કલ્યાણ અર્થે અને રાષ્ટ્રહિત અર્થે કાર્યાન્વિત રહે તેવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના.



