રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાનું જાહેરનામું પ્રસિદ્ધ
જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ: ભંગ કરનાર સામે ગુનો નોંધાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
31 ડિસેમ્બરના રોજ વર્ષ 2025ની વિદાય અને 2026ના આગમનને આવકારવા માટે રાજકોટમાં થનારી ઉજવણીઓને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા વિશેષ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
પોલીસ કમિશ્નર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાં જણાવાયું છે કે અસામાજિક તત્વો પર લગામ કસવા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી સમગ્ર રાજકોટ કમિશનરેટ વિસ્તારમાં તા.30 ડિસેમ્બરથી તા.1 જાન્યુઆરી 2026 સુધી વિવિધ નિયમો અને પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે જેમાં નવા વર્ષની ઉજવણીમાં ફટાકડા ફોડવા માટે મર્યાદિત સમય ફાળવવામાં આવ્યો છે. શહેરીજનો 31 ડિસેમ્બરની રાત્રે 11:55થી તા.1 જાન્યુઆરીએ 00:30 કલાક સુધી જ ફટાકડા ફોડી શકશે. જાહેર માર્ગો કે જાહેર સ્થળો પર ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ઉજવણીના બહાને જાહેર માર્ગો પર બેફામ બાઇક ચલાવવા, જોખમી સ્ટંટ કરવા, ફોર-વ્હીલરના બોનેટ કે ડીકી પર બેસવા પર પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત, વાહનોમાં મોટા અવાજે હોર્ન વગાડવા અથવા પિપૂડા-વ્હીસલ વગાડવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. પાનના ગલ્લા કે ચાની લારીઓ પર ચારથી વધુ વ્યક્તિઓએ એકઠા થવું નહીં, જેથી ટ્રાફિકમાં અડચણ ન ઉભી થાય. પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ અને મોલ જેવા સ્થળોએ ઉજવણી કરનાર આયોજકોએ પોલીસની મંજૂરી લેવી અનિવાર્ય છે આયોજકોએ સ્થળના ગેટ અને પાર્કિંગમાં નાઈટ વિઝન સીસીટીવી કેમેરા લગાવવા પડશે. કાર્યક્રમ દરમિયાન ફાયર સેફ્ટીની પૂરતી સુવિધા રાખવી પડશે અને સ્થળ પર કોઈ પણ પ્રકારના માદક પદાર્થો કે કેફી પીણાંનો ઉપયોગ ન થાય તેની સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે. જાહેરમાં એકબીજા પર પાણી ઉડાડવા, તલવાર કે મોટા ચપ્પુથી કેક કાપવા પર પ્રતિબંધ છે જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.



