ત્રીજા દિવસે કથામાં 30 હજારથી વધારે હરિભક્તોએ કથાનું રસપાન કર્યું
સ્વામીજીએ લવ મેરેજ અને અરેન્જ મેરેજ વચ્ચેનો તફાવત ખૂબ જ સરળ અને લોકબોલીમાં સમજાવ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના રેસકોર્સ મેદાનમાં હરિપ્રકાસદાસજી સ્વામીના મુખે હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રીજા દિવસે સ્વામીજીએ આજના સમયમાં થતા પ્રેમ વિશે ટકોર કરતા આજના સોશિયલ મીડિયાના આધુનિક યુગમાં થતા પ્રેમ વિશે યુવાનોને ટકોર સાથે પ્રેમનું વર્ણન કરતા કહ્યું હતું કે, આજનો પ્રેમ એટલે સોમવારે સામા મળ્યા, મંગળવારે માયા લાગી, બુધવારે બોલ્યા ચાલ્યા,ગુરુવારે ગમી ગયા અને શુક્રવારે સોગંદ ખાધા પછી પૂરું. પ્રેમ કરવો હો તો રાધા અને કૃષ્ણ જેવો કરવો કારણ કે રાધા અને કૃષ્ણનો પ્રેમ એ સાચો પ્રેમ હતો. સોશિયલ મીડિયા પર વધતી અસલામતી અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે, હવે યુનિવર્સિટીઓમાં દીકરીઓના ફોટા ખોટી રીતે જોવા નહીં મળે, કારણ કે આપણી દીકરીઓએ માત્ર ’મોડેલ’ બનીને નથી રહેવાનું, પણ ’ઝાંસીની રાણી’ જેવી વીરાંગના બનીને પોતાની રક્ષા પોતે કરવાની છે. શ્રી હનુમાન ચાલીસા યુવા કથાના ત્રીજા દિવસે હરિપ્રકાસદાસજી સ્વામીએ વ્યાસપીઠ ઉપરથી શ્રોતાગણોને તેમની આગવી શૈલીમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું રસપાન કરાવ્યું હતું. કથાના બીજા દિવસે એટલે કે રવિવારે 38,000 બાદ સોમવારે ત્રીજા દિવસે 30,000થી વધુ લોકોએ કથાનું રસપાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે દરરોજ કથાની શરૂઆત કરતા પહેલા આરતી અને રાષ્ટ્રગીતથી ભક્તિમય વાતાવરણ બનાવી બાદમાં સ્વામી દ્વારા કથાનું રસપાન કરાવવાની શરૂઆત કરવામાં આવે છે. સ્વામીજીએ લવ મેરેજ અને અરેન્જ મેરેજ વચ્ચેનો તફાવત ખૂબ જ સરળ અને લોકબોલીમાં સમજાવતા જણાવ્યું હતું કે, ’જ્યારે આપણે બધાને કહીને અને પરિવારની સાથે બેસીને જમીએ તેને અરેન્જ મેરેજ કહેવાય છે, પરંતુ જે એકલા અને છાનામાના જમી લે, તેને લવ મેરેજ કહેવાય છે.’ તેમણે લગ્નમાં પારિવારિક સહમતી અને સામાજિક મર્યાદાના મહત્વ પર ભાર મૂક્યો હતો. આજના જમાનાનો પ્રેમ અજીબ છે. પહેલા લોકો પ્રેમમાં પડે, પછી મુશ્કેલીમાં પડે અને અંતે બંને જણા ડેમમાં પડે. આ માટે કહ્યું કે સોમવારે સામા મળ્યા, મંગળવારે માયા લાગી, બુધવારે બોલ્યા ચાલ્યા, ગુરુવારે ગમી ગયા અને શુક્રવારે સોગંદ ખાધા પછી પૂરું.
રાજકોટમાં હજારો એવા લોકો છે જે કોઈને દુ:ખી નથી જોઈ શકતા
- Advertisement -
સ્વામી હરિપ્રકાશદાસજીએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરને વંદન છે. આ શહેર પીડ પરાઈ જાણે છે. શહેરમાં હજારો એવા લોકો છે જે કોઈને દુ:ખી નથી જોઈ શકતા. આજે અનેક બાળકો એવા જન્મે છે જેને જન્મતા સાથે જ ડાયાબિટીસ હોય. મા-બાપ ગરીબ હોય. રાજકોટમાં એવી સંસ્થા (જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન) છે કે જે બાળકોને દતક લે છે. એનું આજીવન ધ્યાન રાખે છે. કેટલા લોકોની વાત કરવી. આજે સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાતે ગયો હતો. આપણે એક માવતરની સેવા સરખી નથી કરી શકતા. પણ સદભાવના વૃદ્ધાશ્રમને ધન્ય છે કે જેને આખા ભારતમાં જાહેરાત કરી કે જેને કોઈ નહીં સાચવે એને અમે સાચવીએ. અને આનંદ એ વાતનો છે કે વડીલોને પગ દબાવવા માટે માણસો રાખે છે. દર અઠવાડિયે વડીલોના પગના તળિયે ગાયનું ચોખ્ખું ઘીની માલિશ થાય છે.
અડધી દુનિયામાં રાજકોટ, ગુજરાતના વેપારીનો ડંકો
જ્યારે ભારતને બિઝનેસ કરતા નહોતું આવડતું, ત્યારે બે કાઠિયાવાડીઓએ દુનિયાને વેપારની નવી દિશા બતાવી. ધીરુભાઈ અંબાણીએ શૂન્યમાંથી સર્જન કરીને આખા ભારતને બિઝનેસના પાઠ ભણાવ્યા છે. આજે પણ અડધી દુનિયામાં રાજકોટ અને ગુજરાતના વેપારીઓનો ડંકો વાગે છે. વધુમાં ઉમેર્યું હતું કે, રાજકોટની ધરતીમાં કંઈક એવી તેજસ્વીતા છે કે અહીંથી નીકળેલા લોકો વિશ્વ ફલક પર છવાઈ જાય છે. આજે નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી જે રીતે દેશનું નેતૃત્વ કરી રહી છે, તેનાથી વિશ્વના મોટા દેશો પણ ભારતની તાકાતની નોંધ લેતા થયા છે.
ભારતના ઈતિહાસ અને વર્તમાન સમયમાં ગુજરાતનું યોગદાન અતુલનીય
આપણી માટે ગૌરવની વાત એ છે કે દેશને આઝાદી અપાવવામાં સૌથી મહત્વનો ફાળો ગુજરાતના પનોતા પુત્રો મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે આપ્યો છે. ખાસ કરીને સરદાર પટેલ વિશે વાત કરતા જણાવાયું હતું કે, ’જો આ દેશને સરદાર પટેલ ન મળ્યા હોત, તો આજે પરિસ્થિતિ કંઈક અલગ જ હોત.’ દેશને એકસૂત્રે બાંધવાનું ભગીરથ કાર્ય તેમના થકી જ શક્ય બન્યું છે.



