સાંસદ રામભાઈ મોકરિયા અને કુલપતિ પ્રોફે. ઉત્પલ જોષીની પ્રેરક ઉપસ્થિતિ; મેડિકલ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા બદલ ઈ.એન.ટી. સર્જન ડો. સેજલબેન ભટ્ટનું ગરિમાપૂર્ણ સન્માન કરાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના સભ્યોનો સ્નેહમિલન સમારોહ તાજેતરમાં સોસાયટીના ઓપન એર થિયેટર ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ઉત્પલ જોષી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સોસાયટીના પ્રમુખ પ્રોફે. જયદીપસિંહ ડોડિયાએ ઉપસ્થિત મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
ડો. સેજલબેન ભટ્ટનું સન્માન અને મુખપત્રનું વિમોચન આ પ્રસંગે મેડિકલ સાયન્સ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર રાજકોટ સિવિલ હોસ્પિટલના સિનિયર ઈ.એન.ટી. સર્જન ડો. સેજલબેન ભટ્ટનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સાંસદ રામભાઈ મોકરિયાએ ડો. સેજલબેનની સેવાઓને બિરદાવતા જણાવ્યું કે, કોરોના કાળમાં મ્યુકરમાયકોસિસના દર્દીઓ માટે તેમણે સતત 15-15 કલાક ઓપરેશન કરી અનેક જીવ બચાવ્યા છે. આ તકે સોસાયટીના વાર્ષિક મુખપત્ર ‘ઉજાસ-2025’નું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. કુલપતિ ડો. ઉત્પલ જોષીએ સોસાયટીની 53 વર્ષની હરણફાળ પ્રગતિને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.
અગ્રણીઓની ઉપસ્થિતિ અને સફળ આયોજન કાર્યક્રમમાં સોસાયટીના ઉપપ્રમુખ સજી મેથ્યુ, ટ્રસ્ટી અજયભાઈ જોશી, અલ્કાબેન વોરા, કૌશિક મહેતા સહિતના અનેક મહાનુભાવો અને શહેરના નામાંકિત તબીબો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડો. ચેતનાબા જાડેજાએ કર્યું હતું, જ્યારે કવિ દિલીપભાઈ જોશીએ સંપાદન કાર્યમાં સહયોગ આપ્યો હતો. સોસાયટીના સભ્યો અને હોદ્દેદારોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. અંતમાં મંત્રી અજયભાઈ જોશીએ આભારવિધિ કરી હતી.



