પત્નીની બદલી કરાવવા આરદેશણાએ કેવાં-કેવાં ખેલ કર્યાં?
પોતાનાં બધાં ધ્યેય પ્રાપ્ત થયાં હોવાથી આરદેશણા હવે શિક્ષક મંડળને અને સદાદિયાને પૂર્ણત: સમર્પિત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શિક્ષણ સમિતિમાં જાણે મોટું ગ્રહણ લાગ્યું હોય તેમ વિવાદોનો અંધકાર દૂર થવાનું નામ જ લેતા નથી. જો શિક્ષણ સમિતિના શાસનાધિકારીની વાત કરવામાં આવે તો વર્તમાન ઈન્ચાર્જ શાસનાધિકારી નરેન્દ્ર આરદેશણાનો ઈતિહાસ એમની પૂર્વેના શાસનાધિકારી કિરીટ પરમારને પણ ટક્કર મારે તેવો રંગીન છે. દિનેશ સદાદિયાના રંગે રંગાઈને નરેન્દ્ર આરદેશણા ભાન ભૂલી ગયા છે.
વર્ષ 2016માં શિક્ષણ સમિતિમાં શાસનાધિકારી તરીકે ફરી બિરાજમાન થયેલા નરેન્દ્ર આરદેશણાએ પહેલેથી જ ટાર્ગેટ નક્કી કરી મેદાનમાં ઉતાર્યા હોય તે રીતે લાગતાવળગતાઓને મનપસંદ લાભ અપાયા અને દિનેશ સદાદિયા પણ પોતે શિક્ષક મંડળના પ્રમુખ તરીકે સ્થાન મેળવી પોતાની ટોળકી સાથે પહેલેથી જ અસ્તિત્વમાં આવી ગયા હતા. આથી શિક્ષણ સમિતિમાં આરદેશણા અને સદાદિયા માટે જાણે મોસાળમાં જમણ અને મા પીરસનાર જેવો ઘાટ સર્જાયો હતો. ખાસ કરીને આકાશવાણી ચોકમાં આવેલી શાળા નં.92માં તેઓ પોતાનું મુખ્ય હેડક્વાર્ટર બનાવ્યું હતું, જે શાળામાંમાં તત્કાલીન સીઆરસી હસમુખ ધમસાણીયા હતાં. જેઓ જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા આરદેશણાના અતિનિકટના સાથી હતા એટલે દરરોજ સાંજ પડ્યે શાળા નં.92માં જે મહેફિલ જામતી હતી તે વિશે સૌ કોઈ જાણે છે. ત્યારબાદ આ બાબતને લઈ અનેક લેભાગુ દ્વારા ધાર્યા કામ પાર પાડવામાં આવતા હતા.
- Advertisement -
આ દરમિયાન આરદેશણાએ ફરી એકવાર તેમના એચટાટ પત્નીને મોરબીથી રાજકોટમાં બદલી કરવામાં લાગી ગયા હતા.જેમાં સમિતિમાં અગાઉ તેમની કારી ફાવી નહીં એટલે આ સમયે તેમણે રાજકોટ જિલ્લાના તત્કાલીન બાવાજી (માર્ગી સાધુ) જ્ઞાતિના ડીપીઈઓ સાથે દિનેશ સદાદિયા અને શિક્ષણ સમિતિના બાવાજી (માર્ગી સાધુ) જ્ઞાતિ શિક્ષકની મદદ વડે સંપર્ક થયો. અહીં તેઓને હાથેપગે લાગી દરેક ગોઠવણી કરવામાં આવી હતી. કેમ કે, તે સમયે જ કોઠારીયા-વાવડી વિસ્તાર રાજકોટ કોર્પોરેશનની હદમાં સમાવિષ્ટ કરવામાં આવેલા અને ટૂંકસમયમાં રાજકોટ જિલ્લાના તે વિસ્તારના શિક્ષણ ખાતાનો હવાલો પણ રાજકોટ કોર્પોરેશનમાં આવવાનો હોય જે અમુક લોકોને જ ખ્યાલ હતો. આ તકનો લાભ લેવા મોરબી ગામ ત્યારે રાજકોટ જિલ્લામાં આવતું હોવાથી પોતાની પત્નીને આંતરિક બદલી હેઠળ કોઠારીયાની શાળામાં અરજી કરાવામાં આવી અને ટૂંક સમયમાં તે શાળા રાજકોટ કોર્પોરેશન શિક્ષણ સમિતિના સંચાલનમાં આવી જેથી નિર્ધારિત કાર્યને સફળતા મળી અને ઘીના ઠામમાં ઘી ઠલવાઈ ગયું હતું. આમ, પોતાનો નક્કી કરેલા ધ્યેયની પ્રાપ્તિ થતા આરદેશણાએ દરેક મર્યાદા ઓળંગી શિક્ષક મંડળને બધી રીતે સમર્પિત થઈ ગયા અને રાજકોટ શિક્ષણ સમિતિનું સુકાન આડકતરી રીતે દિનેશ સદાદિયા પાસે જતું રહ્યું જે પછીથી અનેક દૂષણોને પ્રાધાન્ય મળ્યું અને આજ સુધી સમગ્ર શિક્ષણ સમિતિ તેના માઠા પરિણામો ભોગવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આરદેશણા અને સદાદિયા વચ્ચે સગા ભાઈઓથી પણ વિશેષ પ્રેમ સંબંધ છે, તેઓ એકબીજાના રાઝદાર છે અને એટલે જ આરદેશણા પાછલા બારણેથી યેનકેન પ્રકારે સદાદિયાને મદદરૂપ થતા રહે છે. આટલું જ નહીં આ દરેક બાબતોનો લાભ ઉઠાવી જાણકાર ચેરમેન વિક્રમ પૂજારા પોતાના નૈતિક મૂલ્યો નેવે મૂકી શિક્ષક મંડળની માન્યતા રદ્દ કરવાની જગ્યાએ પોતાના આર્થિક વિકાસ કરવામાં જ રચ્યાપચ્યા રહેતા હવે તેઓ પણ આ ટોકળીના જ સભ્ય કહેવા લાગ્યા છે.