મૂળી-વગડીયા રોડ પર વૃક્ષોની ડાળીઓ પડતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો: અધિકારીની ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરાઇ
ખાસ-ખબર ન્યૂઝસુરેન્દ્રનગર, તા.29
ચોટીલા પંથકમાં ભારે વરસાદ અને પવનના કારણે મુળી-વગડીયા રોડ પર બે અલગ-અલગ સ્થળે વૃક્ષોની ડાળીઓ તૂટી પડતાં વાહનવ્યવહાર અવરોધાયો હતો. આ ગંભીર પરિસ્થિતિમાં નાયબ કલેક્ટર શ્રી એચ.ટી. મકવાણાએ તાત્કાલિક પગલાં લઈને પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચી જાતે જ રસ્તો ખુલ્લો કરાવ્યો હતો, જેના કારણે વાહનચાલકો અને ગ્રામજનોએ રાહત અનુભવી હતી.
નાયબ કલેક્ટર મકવાણા મુળી તાલુકાના આસુન્દ્રાળી, વગડીયા અને ઘોળીયા વિસ્તારમાં તપાસ અર્થે ગયા હતા. તે દરમિયાન તેમને મુળી-વગડીયા રોડ પર વાહનવ્યવહાર અટકી પડ્યો હોવાની જાણ થઈ હતી. માર્ગ પર પડેલી વૃક્ષોની ડાળીઓના કારણે ટ્રાફિકમાં મોટી અડચણ ઊભી થઈ હતી.
વાહનચાલકો અને સ્થાનિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે, નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે સમય ગુમાવ્યા વિના તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. તેમણે જાતે જ શ્રમ કરીને રસ્તા પર પડેલી વૃક્ષોની ડાળીઓ દૂર કરી, માર્ગને વાહનવ્યવહાર માટે ફરીથી ખુલ્લો કર્યો હતો.
નાયબ કલેક્ટરની આ ઝડપી અને પ્રશંસનીય કામગીરીના કારણે મુશ્કેલીમાં મુકાયેલા વાહનચાલકો અને આસપાસના ગ્રામજનોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.



