SP સુબોધ ઓડેદરાની ગરબા આયોજકો સાથે બેઠક
CCTV, મહિલા SHE ટિમ અને પોલીસનું સુરક્ષા કવચ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
આગામી 22 નવેમ્બરથી શરૂ થઈ રહેલા નવરાત્રી પર્વને શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં ઉજવવા માટે જુનાગઢ જિલ્લા પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારીઓ અને જવાનો ચુસ્ત બંદોબસ્ત જાળવશે.
પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાએ ગરબા આયોજકો સાથે બેઠક યોજી, જેમાં સરકાર અને પોલીસ દ્વારા નક્કી કરાયેલા નિયમોનું કડક પાલન કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે તમામ પાર્ટી પ્લોટ પર સીસીટીવી કેમેરા લગાવવા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે આયોજકોને ખાસ સૂચના આપી હતી. આયોજકોએ ટ્રાફિક પોલીસ સાથે સંકલન સાધીને ટ્રાફિક નિયમન જળવાય તેની કાળજી લેવા પણ જણાવ્યું હતું. પોલીસ દ્વારા નવરાત્રી દરમિયાન ડ્રગ્સ અને સાયબર અવરનેસ અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે. શહેરમાં આયોજિત 18 પાર્ટી પ્લોટ અને 70 થી વધુ શેરી ગરબા પર પોલીસના 737 સીસીટીવી કેમેરા અને જરૂર પડ્યે ડ્રોન કેમેરા દ્વારા બાજ નજર રાખવામાં આવશે. મહિલાઓની સુરક્ષા માટે સાદા ડ્રેસમાં મહિલા સી-ટીમ સતત વોચ રાખશે. જો કોઈ યુવતી એકલી હોય તો તેને ઘરે પહોંચાડવામાં પણ પોલીસ મદદ કરશે. આ ઉપરાંત, લારી-ગલ્લાવાળા વિસ્તારોમાં ન્યુસન્સ ન થાય તે માટે પોલીસનું સતત પેટ્રોલિંગ રહેશે. કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તુરંત પોલીસને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે.



