ગીરના સિંહોનું જતન: લોકભાગીદારીનું મહત્વ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
વિશ્વમાં એશિયાઈ સિંહના એકમાત્ર નિવાસસ્થાન ગીરમાં, તેના સંરક્ષણ માટે વન વિભાગ અને સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસોની સફળતા પર ભાર મૂકતા, નાયબ વન સંરક્ષક, ગીર પશ્ચિમ વિભાગ દ્વારા એક અખબારી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં સિંહો અને અન્ય વન્યજીવોના રક્ષણ માટે લોકોને કેટલીક અગત્યની બાબતોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
- Advertisement -
ગુજરાતનું ગૌરવ એવા એશિયાઈ સિંહો હવે 20,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં મુક્તપણે ફરે છે. આ સફળતા પાછળ લોકોનો મોટો ફાળો છે, જેણે સિંહોની વસ્તીમાં વધારો કરવામાં મદદ કરી છે. જોકે, આ સંરક્ષણના પ્રયાસો ચાલુ રાખવા માટે લોકોનો સહકાર અત્યંત જરૂરી છે. આ અપીલમાં મુખ્યત્વે ખેડૂતોને પાક રક્ષણ માટે ખેતર ફરતે ઈલેક્ટ્રિક શોક ન મૂકવા માટે વિનંતી કરવામાં આવી છે, કારણ કે તેનાથી વન્ય પ્રાણીઓ અને સ્થાનિક લોકોનો પણ ભોગ લેવાઈ શકે છે. આ ઉપરાંત, વન્ય પ્રાણીઓ માટે જોખમરૂપ ખુલ્લા કૂવાઓને સુરક્ષિત કરવા માટે પણ જણાવ્યું છે. આ કાર્ય માટે ગુજરાત સરકારની 90% સબસિડીવાળી યોજનાનો લાભ લેવા પણ અપીલ કરવામાં આવી છે. વધુમાં, રેવન્યુ વિસ્તારમાં શિકારની પ્રવૃત્તિ કરતા શંકાસ્પદ લોકો જણાય તો નજીકની વન વિભાગની કચેરી અથવા ટોલ ફ્રી નંબર 1800 233 0789 કે 1926 પર સંપર્ક કરવા પણ જણાવાયું છે. આ પહેલ વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધનમાં જનતાની ભાગીદારીને મજબૂત બનાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે.



