10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં રાજકોટની નોંધપાત્ર પ્રગતિ, ઙખ10નું સ્તર ઘટ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સ્વચ્છ હવા માટે કેન્દ્ર સરકારના નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત મિનિસ્ટ્રી ઑફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ દ્વારા જાહેર કરાયેલા ’સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-2025’ના પરિણામોમાં રાજકોટ શહેરએ નોંધપાત્ર પ્રગતિ કરી છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા 48 શહેરોમાં રાજકોટ 15મા ક્રમે આવ્યું છે, જે ગત વર્ષના 19મા ક્રમની સરખામણીમાં મોટી સિદ્ધિ છે. છેલ્લા ચાર વર્ષમાં રાજકોટમાં ઙખ10 (વાયુમાં રહેલા સૂક્ષ્મ રજકણો)ના સ્તરમાં 40% જેટલો નોંધપાત્ર ઘટાડો થયો છે. આ સુધારા પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાયેલા વિવિધ પગલાં જવાબદાર છે. રાજકોટમાં હવાની ગુણવત્તાનું નિરીક્ષણ કરવા માટે મોનિટરિંગ નેટવર્ક મજબૂત બનાવવામાં આવ્યું છે.
મવડી ખાતે આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં Continuous Ambient Air Quality Monitoring Station (CAAQMS)નું ઉદ્ઘાટન કરવામાં આવશે, જે હવાની ગુણવત્તાની વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડશે.
આ ઉપરાંત, શહેરમાં 5 મેન્યુઅલ મશીનો પણ હવાની ગુણવત્તાનું મોનિટરિંગ કરી રહ્યા છે. રાજકોટમાં હરિયાળી વધારવા માટે નાકરાવાડી ડમ્પસાઇટ ખાતે 35 એકર જમીનમાં મિયાવાકી જંગલ વિકસાવવામાં આવ્યું છે. આ જગ્યામાં કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરી જમીનનો પુન:ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. નાકરાવાડી ડમ્પસાઇટ સહિત શહેરના જાહેર સ્થળોએ 6.95 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે, જે હવાને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થઈ રહ્યા છે. આ તમામ પ્રયાસોના પરિણામે રાજકોટની હવાની ગુણવત્તામાં સુધારો થયો છે, જે નાગરિકોના સ્વાસ્થ્ય માટે એક સકારાત્મક સંકેત છે.



