1000 હેક્ટરથી વધુ જમીનમાં પાણી ભરાયા, પાક અને જમીન ધોવાઈ જવાની ચિંતા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.9
મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં ઘોડાધ્રોઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. વરસાદને કારણે નહીં, પરંતુ ડેમના પાણી છોડવાના કારણે વિશાલનગર, માણાબા, ચીખલી અને સુલતાનપુર ગામના ખેડૂતોની 1000 હેક્ટરથી વધુ જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.
- Advertisement -
ખેડૂત વિવેકભાઈ બુડાસણાએ જણાવ્યું કે, આ પાણીથી માત્ર પાકને જ નુકસાન નથી થયું, પરંતુ નદીના પાણીના પ્રવાહથી જમીન પણ ધોવાઈ જવાની ભીતિ છે. સુલતાનપુરના ખેડૂત મેહુલભાઈ વિડજાના જણાવ્યા મુજબ, આ સમસ્યા વર્ષોથી ચાલી રહી છે, જ્યાં ડેમમાંથી પાણી સીધું ખેતરોમાં પ્રવેશી જાય છે અને પાકને નષ્ટ કરે છે.
આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ખેડૂતોએ વર્તમાન અને પૂર્વ ધારાસભ્યોને અનેક રજૂઆતો કરી છે, તેમ છતાં કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. નિષ્ણાતોના મતે, ઘોડાધ્રોઈ નદીનું જે વહેણ બંધ થઈ ગયું છે તેને ફરીથી ખોલવામાં આવે અને પાણી માત્ર નદીના માર્ગે જ વહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તો જ ખેડૂતોને આ વાર્ષિક નુકસાનમાંથી કાયમ માટે રાહત મળી શકે છે.



