770 દર્દીઓને લાભ, 500 રોપાનું વિતરણ, મહાઆરતીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ભૂદેવ સેવા સમિતિ દ્વારા આયોજિત રાજકોટ કા મહારાજા ગણેશ મહોત્સવમાં ભક્તિ અને આનંદનો માહોલ છવાયો છે. મહોત્સવના છઠ્ઠા દિવસે બાળકો માટે ખાસ વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં બાળકોએ વિવિધ દેવી-દેવતાઓના વેશ ધારણ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. જ્યારે બાળકો સ્ટેજ પર આવ્યા ત્યારે પંડાલમાં ઉપસ્થિત સૌ કોઈ જાણે સ્વર્ગીય દ્રશ્ય નિહાળી રહ્યા હોય તેવો ભાવ છવાઈ ગયો હતો. શ્રદ્ધાળુઓએ તાળીઓના ગડગડાટ સાથે બાળકોની મહેનતને બિરદાવી હતી.
સાંજે યોજાયેલી મહાઆરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ઘંટ, શંખ અને સ્તોત્રોના ગુંજનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. લોકોની અખૂટ શ્રદ્ધા અને ભક્તિથી પંડાલમાં એક અદ્ભુત ઊર્જાનો સંચાર થયો હતો.
આ પવિત્ર પ્રસંગે અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં બ્રહ્મ સમાજ, મોચી સમાજ અને અન્ય સમાજના આગેવાનોનો સમાવેશ થાય છે. શ્રી બાજખેડાવાળ બ્રહ્મ વિદ્યા પ્રસારક મંડળના વિપુલભાઈ દવે, દીપકભાઈ દવે, જયેશભાઈ જોશી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. આ ઉપરાંત, મોચી સમાજના અગ્રણીઓ જેવા કે નરેન્દ્રભાઈ સરવૈયા, હસુભાઈ ચુડાસમાં, નવીનભાઈ ડાભી સહિતના આગેવાનો અને અન્ય ઘણા સમાજસેવકો પણ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી.
ભૂદેવ સેવા સમિતિના સ્થાપક અને પૂર્વ શિક્ષણ સમિતિના સભ્ય શ્રી તેજસભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આવતીકાલે સાંજે 9:30 વાગ્યે એક વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રખર શાસ્ત્રી શ્રી જયભાઈ ત્રિવેદી દ્વારા ગણેશ અથર્વશીર્ષના પાઠ કરવામાં આવશે.
તેમણે સર્વે ધર્મપ્રેમી જનતાને આ પવિત્ર અવસરનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ ભક્તિ, સામાજિક સૌહાર્દ અને એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યો હતો.



