બોઈલર બ્લાસ્ટથી આસપાસના રહીશોમાં મનપા સામે રોષ
રહેણાંક વિસ્તારમાં અગ્નિ શામક કારખાનાને કોણે મંજૂરી આપી?
મનપા ફાયર શાખાએ આગને કાબુ કરી, જાનહાનિ ટળી
જૂનાગઢ ખલીલપુર રોડ પર અગરબત્તીના કારખાનામાં બ્લાસ્ટ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ શહેરના ખલીલપુર રોડ પર આવેલી નીલકંઠ સોસાયટીમાં આજે સવારે રહેણાંક વિસ્તારમાં ધમધમતા એક અગરબત્તીના કારખાનાનું બોઇલર ફાટતાં મોટો ધડાકો થયો હતો. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આસપાસના અનેક મકાનો અને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. આ બનાવને પગલે સ્થાનિક રહીશોમાં ભય અને આક્રોશનો માહોલ જોવા મળ્યો છે. જયારે આવા રહેણાંક વિસ્તારમાં અગ્નિ શામક જેવા બોઇલરો વાળા કારખાના ધમધમતા હોઈ તો શું મનપાની મંજૂરી મળી તો કેવી રીતે મળી? તેવા પણ સ્થાનિક લોકોએ સવાલો ઉભા કર્યા છે ઘટના આજે સવારના સમયે બની હતી. નીલકંઠ સોસાયટીના રહેણાંક વિસ્તારમાં પતરાના શેડ બનાવીને ચાલતા આ કારખાનાનું બોઈલર અચાનક ધડાકાભેર ફાટ્યું હતું. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો અને આસપાસના વિસ્તારોમાં પણ ધ્રુજારી અનુભવાઈ હતી. તાત્કાલિક ફાયર વિભાગને જાણ થતાં તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ભયાનક બ્લાસ્ટના કારણે કારખાનાની આસપાસના અનેક રહેણાંક મકાનોને ગંભીર નુકસાન થયું છે. બારીઓના કાચ તૂટી ગયા હતા અને કેટલીક જગ્યાએ દીવાલોમાં પણ તિરાડો પડી હતી. આ ઉપરાંત, શેરીમાં પાર્ક કરેલી ગાડીઓના કાચ પણ ફૂટી ગયા હતા, જેના પરથી ધડાકાની તીવ્રતાનો અંદાજ લગાવી શકાય છે. સ્થાનિક રહીશો જેમાં મનિષાબેન દવે અને કાજલબેન રૂપાવટિયાએ જણાવ્યું કે આ ઘટનાથી તેઓ ભયભીત થઈ ગયા છે. કારખાનાના માલિકને પણ મોટા પાયે આર્થિક નુકસાન થયું છે. જયારે રહેણાંક મકાન વિસ્તારમાં આવા અગ્નિ શામક કારખાનાને મંજૂરી કોને આપી તેવા પણ સવાલો ઉભા થયા છે.
રહેણાંક વિસ્તારમાં જોખમી કારખાનાઓ સામે સવાલ
- Advertisement -
આ ઘટનાએ જૂનાગઢ શહેરમાં રહેણાંક વિસ્તારોમાં ચાલતા જોખમી ઉદ્યોગો સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક લોકોનો મુખ્ય આક્રોશ એ વાત પર છે કે આવા ભીડભાડવાળા વિસ્તારમાં કારખાનાને મંજૂરી કેવી રીતે મળી? નાગરિકોની સુરક્ષાને જોખમમાં મૂકતા આવા કારખાનાઓ વિરુદ્ધ તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી ન થતી હોવાનો પણ રોષ વ્યક્ત થયો છે. સ્થાનિક રહીશોએ માંગ કરી છે કે, સદ્નસીબે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે તંત્ર તાત્કાલિક આવા જોખમી કારખાનાઓને રહેણાંક વિસ્તારમાંથી દૂર કરે. આ ઉપરાંત, બ્લાસ્ટને કારણે જે લોકોને નુકસાન થયું છે, તેમને સરકાર તરફથી યોગ્ય વળતર મળે તેવી પણ માંગણી ઉઠી છે. જો વહેલી તકે આ મામલે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.



