મોટા મવામાં સરેઆમ ચાલે છે દેશી દારૂનો અડ્ડો: આખો પરિવાર સામેલ છે આ ગંદા ધંધામાં!

‘બનિયા’નાં નામથી ઓળખાતાં શખ્સનાં ઘેર જ ધમધમતો ધંધો: કોઈ રોકનારું નહીં, કોઈ ટોકનારું નહીં

- Advertisement -
દેશી દારૂના પાપે અનેક પરિવારો ખતમ થઈ ગયા છે અને થતાં રહે છે. છતાં આ ભયાનક બદી ડામવા માટે નિષ્ઠાવાન પ્રયાસો થતાં નથી, એ વાસ્તવિકતા છે. શહેરમાં ચોતરફ મળતો દેશી દારૂ આ નિષ્કાળજીનાં પુરાવારૂપ છે. રાજકોટનાં મોટા મવા ગામની સાવ વચ્ચોવચ્ચ બનીયા નામનાં શખ્સનો દેશી દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે.

તાલુકા પોલીસ સ્ટેશનથી ફક્ત એકાદ કિ.મી. દૂર ચાલે છે દેશી દારૂનો અડ્ડો
આશ્ર્ચર્ય એ વાતનું છે કે, આ ધંધામાં તેનાં પરિવારના મહિલા સભ્યો સહિત અનેક પરિવારજનો હોંશે-હોંશે ભાગ લઈ રહ્યાં છે. ચર્ચાતી વિગતો મુજબ આ અડ્ડો તાલુકા પોલીસની જાણ બહાર નથી. પરંતુ કોઈ ચોક્કસ કારણસર અડ્ડા સંચાલક પર કોઈ પગલાં લેવાતાં નથી.
- Advertisement -

છેલ્લાં પંદરેક દિવસ દરમિયાન ‘ખાસ-ખબર’ દ્વારા દેશી દારૂ અને જુગાર વિરૂદ્ધ રીતસર એક પ્રકારની આક્રમક ઝૂંબેશ ચલાવવામાં આવી છે અને ઑડિયો-વિડીયો પુરાવાઓ સાથે તમામ વિગતો પ્રકાશિત કરવામાં આવી રહી છે. ગોપાલનગર વિસ્તારમાં ધમધમતા અડ્ડા, થોરાળાનું જુગારધામ, સંત કબીર રોડનો દેશી દારૂનો અડ્ડો સહિતની વિગતો આપવામાં ખાસ-ખબર અવ્વલ રહ્યું છે. આજે મોટા મવાના આ દેશી દારૂનાં અડ્ડાની વિગતો પ્રકાશિત થયા બાદ તેમનાં પર શા પગલાં લેવાય છે- એ જોવું રહ્યું.

શું આ બધાં ધંધા પોલીસની જાણ બહાર હોય?
શહેરનાં દરેક વિસ્તારમાં જ્યારે આ બદી પહોંચી ગઈ હોય ત્યારે લોકોનાં મનમાં સૌ પ્રથમ સવાલ એ જ થાય કે, શું આ બધાં ગોરખધંધા પોલીસની જાણ બહાર હોય છે? ના. ભાગ્યે જ એવું હોય છે. સામાન્ય રીતે આવા અડ્ડાઓનાં સંચાલકની સાંઠગાંઠ જે-તે વિસ્તારનાં પોલીસ સ્ટેશન સાથે હોય છે. આ પ્રકારનું ‘સેટલમેન્ટ’ ગોઠવાયું ન હોય તો પણ અડ્ડો ચાલુ કરી શકાય છે પરંતુ લાંબો સમય એ અડ્ડો ચાલું રાખી શકાતો નથી.

પોલીસનાં બાઈક સાથે આ શંકાસ્પદ શખ્સ કોણ છે? અડ્ડા પર સતત હાજરી
મોટામવામાં ચાલતાં આ દેશી દારૂનાં અડ્ડા પર એક શંકાસ્પદ શખ્સની હાજરી જોવા મળી હતી. સવાલ એ સર્જાય છે કે શું આ શખ્સ અડ્ડાનો સંચાલક છે? કે પછી એ હપ્તાં ઉઘરાવવા આવ્યો છે? આ શખ્સની હિલચાલ અત્યંત રહસ્યમય હતી. એ આવવા-જવાવાળા તમામ લોકો પર નજર રાખી રહ્યો હતો. પોલીસે આ દિશામાં પણ તપાસ કરવાની જરૂર છે.

દારૂ પીવા માટે અડ્ડાનાં પાછલા ફળિયામાં બેસવાની વ્યવસ્થા



