સીએમ સડક યોજનામાં તમામ તાલુકાના 35 બ્રિજ રિપેર થશે
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.18
વડોદરાના ગંભીરા બ્રીજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે અલગ અલગ વિભાગમાં આવતા માઈનોર બ્રીજ મેજર બ્રીજ કોઝવે સહિતના તમામ સ્ટ્રક્ચરના સર્વે કરવા અને તેના રીપેરીંગ જરૂરિયાત અંગેની માહિતી મેળવી હતી અને આ માહિતી આધારે જે પણ બ્રીજ ગંભીર હાલતમાં હોય તેને તાત્કાલિક વાહન વ્યવહાર માટે બંધ કરાવી તેના રીપેરીંગ માટે ઈમરજન્સી મંજૂરી આપવામાં આવી હતી.અગાઉ મોરબી ઝુલતો પુલ અને બાદમાં વડોદરાના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ સરકારે સંબંધિત તમામ તંત્રને સાબદાં કરી દીધા છે. જેમાં લેશમાત્ર ગફલત ન રાખવા તાકીદ કરાઇ છે.
- Advertisement -
આ ઉપરાંત અલગ અલગ ગામને જોડતા પંચાયત હસ્તકના એવા કોઝ વે અને સાંકડા બ્રીજને પહોળા કરવા અથવા જરૂરિયાત હોય તેવા કોઝવે પર બ્રીજ નિર્માણ માટે પણ તાત્કાલિક મંજૂરી પણ આપવામાં આવી રહી છે અને તેના માટે ભંડોળના નવા નિર્માણ અને રીપેરીંગ માટે જરૂરી મંજૂરી આપવામાં આવી હતી. તાલુકા મુજબ જોઈએ તો માળિયા તાલુકામાં આવતા અલગ અલગ ગામના 7 બ્રિજ અને કોઝવે માટે 10.22 કરોડ, મોરબી તાલુકાના અલગ અલગ ગામને જોડતા રોડના 8 કામ માટે 17.28 કરોડ, હળવદ ના 8 બ્રીજ કામ માટે 9.85 કરોડ, ટંકારાના 4 કામ માટે 4.20 કરોડ તેમજ વાંકાનેર તાલુકાના 8 કામ માટે 6.46 કરોડનો સમાવેશ થાય છે તેમ મોરબી જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેર દિવ્યેશ બાવરવાએ જણાવ્યું હતું.



