ધારાસભ્ય પી.કે.પરમારે લીલી ઝંડી આપી, શ્રદ્ધાળુઓને મળશે સરળ પરિવહન સુવિધા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.16
દસાડા વિધાનસભાના પાટડી ખાતેથી પવિત્ર અંબાજી ધામ સુધીની નવી એસટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દસાડા ધારાસભ્ય પી.કે.પરમારે બસને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ નવી બસ સેવાથી પાટડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને અંબાજી ધામ સુધી પહોંચવામાં સરળતા રહેશે. લાંબા સમયથી લોકોની માંગ હતી કે આ રૂટ પર નિયમિત બસ સેવા શરૂ કરવામાં આવે. આ સેવા ખાસ કરીને તહેવારો અને વિશેષ પ્રસંગોએ યાત્રાળુઓ માટે વધુ ઉપયોગી સાબિત થશે. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ ચેતનાબેન ચંદારાણા, શહેર ભાજપ પ્રમુખ વિરલભાઈ સોની, દિલીપભાઈ પટેલ, મૌલેશભાઈ પરીખ અને નગરપાલિકાના ચીફ ઓફિસર રઘુભાઇ ખાંભલા સહિત ભાજપના હોદ્દેદારો, નગરપાલિકાના સભ્યો અને ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



