ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.16
મોરબી-રાજકોટ હાઈવે પરના ટીંબડી ગામના પાટીયા પાસે ટ્રક ચાલકો દ્વારા આડેધડ અને બેફામ પાર્કિંગ કરવામાં આવતા નાના વાહનચાલકો અને સ્થાનિક લોકો ભયભીત બન્યા છે. આ વિસ્તાર ભૂતકાળમાં અનેક ગંભીર અકસ્માતો અને જાનહાનિનું સાક્ષી રહ્યો છે, છતાં મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ અને તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.
ટીંબડી ગામ તરફથી આવતા વાહનોને હાઈવે પર પાર્ક થયેલી ટ્રકોને કારણે હાઈવે પરના વાહનો દેખાતા નથી, જેના પરિણામે અકસ્માતો સર્જાય છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે.
લોકોની માંગ છે કે, મોરબી ટ્રાફિક પોલીસે તાત્કાલિક ધોરણે આડેધડ પાર્કિંગ કરનારા ટ્રક ચાલકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને ગામના પાટીયાની આસપાસનો વિસ્તાર ખુલ્લો કરાવવો જોઈએ. જો વહેલી તકે પગલાં લેવામાં નહીં આવે તો કોઈ ગંભીર ઘટના બની શકે છે અને લોકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મોરબી અને આસપાસના વિસ્તારોમાં ઓવરલોડ ડમ્પર ચાલકો સામે પણ કાર્યવાહીની માંગ થઈ રહી છે, કારણ કે તેમની બેફામ ડ્રાઈવિંગ પણ અકસ્માતનું મોટું કારણ બની રહી છે.



