50 વર્ષ જૂનાં બ્રિજના પિલરોનું જેકેટિંગ પૂર્ણ, 95 કરોડના ખર્ચે 6 નવા બ્રિજ બનશે
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.16
મોરબી અને જામનગર જિલ્લાને જોડતા ધ્રોલ હાઇવે પર આવેલા 50 વર્ષ જૂના ફુલઝર નદીના બ્રિજના પિલરોનું જેકેટિંગ કામ પૂર્ણ થયું છે. મોરબી જિલ્લાના ઇન્ચાર્જ કલેક્ટર જે.એસ.પ્રજાપતિએ જણાવ્યું કે આ કામગીરીથી બ્રિજના આયુષ્યમાં 20 વર્ષનો વધારો થશે. 48 લાખના ખર્ચે ટંકારા તાલુકાના સાવડી ગામ પાસે આવેલા બ્રિજના પાંચ પિલરનું જેકેટિંગ કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં રાજ્ય સરકાર હસ્તકના માર્ગો પર 24 મેજર અને 48 માઇનોર બ્રિજ આવેલા છે. વડોદરા નજીક ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરના બ્રિજની ચકાસણી કરવાનો આદેશ અપાયો હતો. માળિયા, ટીકર અને વાંકાનેરના સિંધાવદર પાસેના ત્રણ બ્રિજ ભારે વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે. માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર દિગ્વિજયસિંહ સોલંકીએ જણાવ્યું કે હળવદ-ટીકર, મયૂરનગર-રાયસંગપૂર અને હળવદ-સરા સહિત કુલ 6 નવા બ્રિજ 95 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. સરકારે જોખમી બ્રિજનું નિરીક્ષણ, ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ અને નવા બ્રિજ નિર્માણની કામગીરી ઝડપથી શરૂ કરી છે.



