ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
જુનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુજસીટોક ગુનાનો આરોપી કાળા દેવરાજ રાડાના રહેણાંક મકાનનેથી ગેરકાયદેસરના વીજ જોડાણની પોલીસે કાર્યવાહી કરાવતા પીજીવીસીએલ દ્વારા રૂપિયા 1.39 લાખની દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
ગુજસીટોક ગુનામાં ફરાર 107 ગુનામાં સંડોવાયેલ કાળા દેવરાજ રાડાને પોલીસે જીવના જોખમે બુધવારની સવારે પકડી પાડ્યો હતો. બાદમાં આરોપીને સાથે રાખી રિ-ક્ધસ્ટ્રક્શન, પંચનામુ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન આરોપીએ પોતાના કબજાના રહેણાંકના મકાનો તેમજ તેના પરિવારના સભ્યો રહેતા હોય એવા મકાનો બતાવ્યા હતા તે વખતે કારા દેવરાજના મકાનોમાં ગેરકાયદેસર રીતે વીજ જોડાણ કરવામાં આવ્યું હોવાનું પોલીસના ધ્યાન પર આવ્યું હતું. જેથી પીજીવીસીએલ મારફત તપાસ કરાવવા એસપી સુબોધ ઓડેદરાએ સૂચના આપી હતી. તેના અનુસંધાને ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાના માર્ગદર્શનમાં સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વી. જે. સાવજે પીજીવીસીએલને જાણ કરી ગાંધીગ્રામ લીરબાઈ પરા વિસ્તારમાં ગેરકાયદેસરના વીજ જોડાણની તપાસ કરાવતા વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કોર્પોરેટર સોનલબેન કારાભાઈ રાડા તેમના પરિવાર સાથે રહેતા હોય એવા મકાનોમાં ગેરકાયદેસર વીજ જોડાણ હોય જેથી પીજીવીસીએલ દ્વારા કાળા દેવરાજના પત્ની વાલીબેનને ગેરકાયદેસર વીજ જોડાણ સબબ રૂપિયા 1,39, 493નો દંડ ફટકારી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



