GIDCના ગોડાઉનમાં અનાજનો જથ્થો સંગ્રહ થતો હોવાની ચર્ચા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
રાજ્ય સરકાર ગરીબો માટે આપવામાં આવતા સરકારી અનાજને પરિવારો સુધી પહોચાડવા માટે ભલેને કોઈપણ પ્રકારનીફ પારદર્શકતા લાવે છતાં કાળા બજારીયાઓ કોઈપણ પ્રકારે આ અનાજને કાળા બજારમાં વેચાણ કરવાની યુક્તિ અપનાવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઠેર ઠેર સરકારી અનાજને કાળા બજાર કરી વેચાણ કરવાના અનેક ગોરખધંધા ચાલી રહ્યા છે ગરીબો માટે સરકાર સાવ સસ્તા દરે પૂરું પાડતા અનાજને ગરીબોના મોઢામાંથી છીનવાય રહ્યું છે ત્યારે આ પ્રકારે મૂળી પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પણ સરકારી અનાજને સંગ્રહ કરી વેચાણ કરવાનો મોટું કૌભાંડ ચાલતું હોવાનું સામે આવ્યું છે.
- Advertisement -
જેમાં મૂળી પંથકના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી જીઆઇડીસીમાં ગોડાઉન રાખી ફેરિયા વાળા અને સસ્તા અનાજની દુકાન ધારકો પાસેથી ઘઉં અને ચોખા જેવા સરકારી અનાજ સસ્તાદરે લઈ લેવામાં આવે છે ત્યારબાદ આ અનાજનો સંગ્રહ કરી બારોબાર ઊંચા ભાવે વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે કહેવાય છે કે આ ગોડાઉન અને કાળા બજાર કરનાર છેલ્લા બે દાયકાથી આ પ્રકારનો સરકારી અનાજનો કાળા બજાર કરવાનો ધંધો કરી રહ્યો છે. મુળી, થાનગઢ, જોરાવરનગર સહિતના આજુબાજુ વિસ્તારોમાંથી સરકારી અનાજનો જથ્થો સસ્તા ભાવે ખરીદી કરી મસમોટું કૌભાંડ ચલાવે છે પરંતુ અહીં સવાલ એવો થાય છે કે છેલ્લા બે દાયકાથી ચલાવતો આ સરકારી અનાજને વેચાણ કરવાના ધંધા પર આજદિન સુધી તંત્રની નજર કેમ પડી નથી ? ત્યારે વર્ષોથી ગરીબો માટે સરકાર દ્વારા આપવામાં આવતા અનાજને કાળા બજાર કરતા આવા તત્વો સામે તંત્ર ક્યારે પગલા ભરે છે ? તે જોવું રહ્યું.



