જૂનાગઢ મહાનગરપાલિકાના ફિલ્ટર પ્લાન્ટ પાછળ થયેલા ખર્ચના ચોંકાવનારા આંકડા
અનિયમિત પાણી વિતરણ અને અશુઘ્ધ પાણી વિતરણ છતાં ખર્ચ બેફામ
મનપા દ્વારા આડેધડ થતા ખર્ચાઓ અંગે કોઇ જ પુછનાર નથી
નવા શાસકો મનપાના ખર્ચ
પર લગામ લગાવી શકશે ?
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
જૂનાગઢ મહાનગરપાલિકાને બન્યાને વર્ષો વિતી ગયા છે પરંતુ આજે પણ લોકો પ્રાથમિક સુવિધા માટે વલખા મારે છે. વર્તમાન સ્થિતિ નર્કગાર સમાન છે. જૂનાગઢમાં ચાલવા માટે યોગ્ય રસ્તાઓ પણ નથી. બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા અપાતી સુવિધાઓ પાછળ કરોડોના ખર્ચ થઇ રહ્યા છે. જેમાંનો એક ખર્ચ પાણી વિતરણ અને ફિલ્ટર પ્લાન્ટને લઇને છે છેલ્લા એક વર્ષમાં મહાનગરપાલિકાએ બે ફિલ્ટર પ્લાન્ટ પાછળ રૂા.1.57 કરોડનો ખર્ચ કર્યો છે. મહાનગરપાલિકાના આ ખર્ચ સામે અનેક સવાલો ઉભા થયા છે. જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવે છે જૂનાગઢ શહેરને હસ્નાપુર ડેમ અને આણંદપુર ડેમ, વિલીંગ્ડન ડેમમાંથી પાણી આપવામાં આવે છે. તેમજ જૂનાગઢ શહેરમાં અપાતા પાણીના શુઘ્ધી કરણ માટે બે ફિલ્ટર પ્લાન્ટ પણ કાર્યરત છે. જૂનાગઢ નજીક ધારાગઢ અને પાદરીયા પાસે આ બે ફિલ્ટર પ્લાન્ટ આવેલા છે. અહીંથી પાણી ફિલ્ટર કરી શહેરમાં વિતરણ કરવામાં આવે છે
પરંતુ જૂનાગઢ શહેરમાંથી અવાર-નવાર ડોળા પાણીનું વિતરણ થતુ હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. તેમજ શુઘ્ધ પાણી વિતરણ ન થતુ હોવાની પણ અનેક વખત ફરિયાદો ઉઠી છે. ત્યારે મહાનગરપાલિકા ખર્ચ કરવામાં પાછુ વળીને જોતુ નથી. શહેરીજનોને પાણી ભલે શુઘ્ધ ન મળે પરંતુ મહાનગરપાલિકા ખર્ચ કરવામાં કોઇ જ પ્રકારની પાછી પાની કરતુ નથી. મહાનગરપાલિકાએ ધારાગઢ અને પાદરીયા ફિલ્ટર પ્લાન્ટ પાછળ કરેલા ખર્ચની ચોકાવનારી વિગતો સામે આવી છે. વોર્ડ નં.6ના મહિલા કોર્પોરેટરે માંગેલી વિગતોમાં ચોકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. જેમાં ધારાગઢ ફિલ્ટર પ્લાન્ટનું બીલ 4506983 રૂપિયા અને પાદરીયા ફિલ્ટર પ્લાન્ટનું બીલ 4066031 રૂપિયા આવ્યુ છે. તેમજ દવા અને અન્ય મેન્ટન્સ ખર્ચ 71.66 લાખ થયો છે. આમ એક વર્ષમાં કુલ ખર્ચ 15739014 રૂપિયા ખર્ચ થયો છે. એક વર્ષનો ખર્ચ દોઢ કરોડની ઉપર થઇ ગયો છે. પરંતુ શહેરને શુઘ્ધ પાણી મળતુ નથી.
શહેરના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ થતું નથી
- Advertisement -
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા લોકો પાસેથી કર ઉઘરાવવામાં આવે છે પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા પાણી વિતરણ કરવામાં આવતુ નથી તેમજ અનેક વિસ્તારોમાં વર્ષો પહેલા નાખેલી પાણીની લાઇન પણ ફેઇલ થઇ ગઇ છે પરંતુ આ લાઇનમાંથી પાણી હજુ સુધી વિતરણ થયુ નથી.
ચોમાસામાં ગંદા પાણીના વિતરણની સમસ્યા
ચોમાસાની સીઝન દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં ગંદા પાણીનું વિતરણ થાય છે આ પાણી પીવા યોગ્ય પણ હોતુ નથી બીજી તરફ મહાનગરપાલિકા ફિલ્ટર પ્લાટમાં દવા વગરનો ખર્ચ દાખો રૂપિયામાં કરે છે. મહાનગરપાલિકાના આ ખર્ચાઓ સામે શહેરી કોંગ્રેસે સવાલો ઉભા કર્યા છે.
અનિયમિત પાણી વિતરણ
જૂનાગઢ શહેરમાં મહાનગરપાલિકાલ પાણી વિતરણ કરે છે પરંતુ ઘણા વિસ્તારોમાં અઠવાડીયામાં બે દિવસ પાણી વિતરણ થાય છે તો કયાંક એકાત્રે પાણી વિતરણ થાય છે જૂનાગઢના જુદા જુદા વિસ્તારોમાં અનિયમીત પાણી વિતરણ થતુ હોવાની ફરીયાદો વાર તહેવારે ઉઠતી રહે છે.



