ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
વિસાવદર પેટા ચૂંટણીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા દ્વારા વિસાવદર મામલતદાર અને પુરવઠા અધિકારી એક ગંભીર મુદ્દા પર રજૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન ઇટાલીયા સાથે મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો, આગેવાનો અને પાર્ટીના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગોપાલ ઇટાલીયાએ પુરવઠા અધિકારી અને મામલતદારને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લા સહીત ગુજરાતના લગભગ તમામ જીલ્લાઓમાં ખાતરની અછત સર્જાઈ છે. ખેડુતોને જ્યારે યુરિયા, ડીપીએ અને એનપી ખાતરની ખુબ જ જરૂર છે.
- Advertisement -
ત્યારે ખાતરનો પુરતો જથ્થો ન હોવાથી ખેડૂતો પરેશાન છે. ખેડૂતોની એક સામાન્ય માંગ હોય છે કે સરકાર ખેતી સમય પર ખાતરનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ કરાવે પરંતુ દર વખત ખેડૂતોએ પરેશાન થવાનો વારો આવતો હોય છે. તો પુરવઠા અધિકારી તરીકે અમારો તમને સવાલ છે કે પુરવઠાનો નિયમન માટે તમે કયા પ્રકારની આગોતરી કામગીરી કરો છો? દર વખતે એકની એક સમસ્યા શા માટે ઊભી થાય છે? એક તો ખેડૂતોને વાવેતર સમયે ખાતરની જરૂર પડે છે ત્યારે ખાતર મળતું નથી અને જ્યારે ખાતર મળે છે તો ખેડૂતને જરૂર હોય એટલી પૂરતી માત્રામાં ખાતર મળતું નથી.વધુ એક ગંભીર બાબત છે કે અમે સાંભળ્યું છે એ પ્રમાણે ખાતરની કૃત્રિમ અછત ઊભી કરવામાં આવે છે મતલબ કે ખાતર હોય છે તેમ છતાં પણ ખેડૂતોને આપવામાં આવતું નથી પછી ખેડૂતોએ મૂળ કિંમતથી ઉપર વધારે પૈસા આપીને ખાતર લેવું પડે છે. આ સિવાય ખાતરની ખરીદી માટે ખેડૂતો પાસે ખોટી રીતે આધાર કાર્ડની માંગણી કરવામાં આવે છે હવે મારો સવાલ છે કે ખાતર અને આધારકાર્ડને શું લેવા દેવા?



