વેરાવળ, તાલાળા, ઉના તેમજ ગીર ગઢડામાં વરસાદી માહોલ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.21
- Advertisement -
હવામાન વિભાગની આગાહીને પગલે ગીર સોમનાથના વેરાવળ સહિત ગ્રામ્ય પંથકમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વેરાવળ પંથકમાં સવાર થી ધીમીધારે મેઘરાજાનું આગમન થયું હતું. વરસાદનું આગમન થતાં ગરમીના બફારા માંથી લોકોને રાહત મળી હતી. કમોસમી વરસાદની આગાહીને પગલે આજરોજ વેરાવળ અને તાલાલાનાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. ભર ઉનાળાના સમયમાં એકાએક મેઘરાજાનું આગમન થતા ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે.જેને પગલે શહેરી પંથકમાં ઠંડક પ્રસરી છે તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. બીજી તરફ આજે વહેલી સવારથી જ ઉના તેમજ ગીર ગઢડા ના વિસ્તારોમાં વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું હતું. આજે વહેલી સવારથી જ ઉના તેમજ ગીર ગઢડાના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણને લઈને ખેડૂતોમાં ચિંતાનું વાદળ જોવા મળ્યું હતું. ગઈકાલે ઉનાના ગીર વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. કોડીનાર અને સુત્રાપાડા માં છૂટોછવાયો વરસાદ તેમજ ઉના અને ગીર ગઢડામાં પણ સામાન્ય વરસાદ પડ્યો હતો. જો કે ગીર ગઢડાના વડવિયાળા, ખાપટ સહિતના ગામોમાં અડધાથી એક ઈંચ વરસાદ ખાબક્યો હતો.



