કેચ ધ રેઈન : જળસંચય કરો હમણાં, તો સાકાર થશે સમણાં, રેલીને પ્રસ્થાન કરાવતા સાંસદ રાજેશ ચુડાસમા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.7
- Advertisement -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સમગ્ર રાજ્યમાં જળસંચય અભિયાન વેગવંતુ બન્યું છે. જળસંચય અભિયાનને આગળ ધપાવવામાં ગીર સોમનાથ જિલ્લો પણ ખભેખભો મિલાવી સતત પ્રયત્નશીલ છે. આવા જ એક ઉપક્રમમાં ’કેચ ધ રેઇન’ અભિયાન અંતર્ગત નાગરિકોમાં જાગૃતિ આવે એવા હેતુસર વેરાવળ તાલુકાના છાપરી ગામેથી સાંસદ રાજેશ ચુડાસમાએ બાઈક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. જળસંચય જાગૃતિ અંતર્ગત યોજાયેલી રેલીનું આયુમાના મંદિરથી પ્રસ્થાન થયું હતું અને છાપરી, દેદા, ઉંબા ઓમનાથ મહાદેવ, આંબલિયાળા, તાંતીવેલા, ડાભોર થઈ ઈન્ડિયન રેયોન, દેવકા નદી પાસે સમાપન થયું હતું. બાઈક રેલીનું ગામે-ગામ કુમકુમ તિલકથી ઊમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકો અને ગ્રામજનોએ ’જલ છે તો કલ છે’, ’જળસંચય કરો હમણાં, તો સાકાર થશે સમણાં’, ’પાણીનાં દરેક ટીપાને સુરક્ષિત કરીએ’, ’પાણી બચાવો, ભવિષ્ય બચાવો’, ’વરસાદનું જળસંચય કરો, ભૂમિને સજળ કરો’ જેવા બેનર્સથી જળસંચય પ્રત્યે લોકજાગૃતિ આવે એવા પ્રયાસ કર્યા હતાં.



