મેયરે જવાબદારો સામે પગલાં લેવા સૂચના આપી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટનાં સાધુ સમાજમાં રોષની લાગણી જોવા મળી હતી. જેમાં રૈયા ગામમાં શ્રી દશનામ ગૌસ્વામી અતીત સાધુ સમાજ સમાધિ સ્થાન ટ્રસ્ટની જગ્યા આવેલી છે. અહીં સામાન્ય રીતે સાધુ સમાજના લોકોને જ સમાધિ આપવામાં આવતી હોય છે. જોકે તાજેતરમાં જ સાધુ સમાજની સમાધિ પર કૂતરાઓને સમાધિ આપવામાં આવી હતી. જેને લઈને સાધુ સમાજમાં રોષની લાગણી જોવા મળી હતી. મોટી સંખ્યામાં સાધુ સમાજના લોકો મનપા કચેરીએ પહોંચ્યા હતા. તેમજ આ ટ્રસ્ટને સોંપવામાં આવેલી સમાધિ સ્થાનનો ઠરાવ રદ કરવાની રજૂઆત કરવામાં આવી હતી.
સાધુ સમાજનાં આગેવાન ચેતન ગોંડલીયાએ આ તકે જણાવ્યું હતું કે, રાજકોટનાં રૈયા ગામમાં સમાધિ સ્થાન આવેલું છે. જ્યાં બે-ત્રણ દિવસથી કૂતરાઓને સમાધિ આપવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. જેને લઈને તમામ સાધુ સંતો અને રાવળદેવો આ મામલે રજુઆત કરવા માટે આવ્યા હતા. અને મનપા કમિશ્નર, મેયર અને દંડકને રજૂઆત કરવામાં આવી હતી. આ સમાધિ સ્થાન પર અમારા પૂર્વજોની સમાધિ હોવાથી અમારી આસ્થાનું કેન્દ્ર છે. આ સ્થાનને અમે ભગવાન તુલ્ય માનીએ છીએ. ત્યારે ત્યાં કૂતરાઓને સમાધિ આપવી યોગ્ય નથી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર મામલે શાસકોને રજૂઆત કરવામાં આવી હતી અને આ સમાધિ સ્થાનમાં કુતરાઓને સમાધિ આપવાનું બંધ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. તેમજ તાત્કાલિક ત્યાંથી કુતરાઓની સમાધિ દૂર કરી અમારા વડવાઓ અને પિતૃઓનું સન્માન જાળવવાની અપીલ કરવામાં આવી છે. આ રજૂઆતને લઈને મેયરે તાત્કાલિક તપાસના આદેશો આપવામાં આવ્યા છે. અને જવાબદારો સામે કડક પગલાં લેવાની સૂચના આપી છે. આમ છતાં કુતરાઓને સમાધિ આપવાનું ચાલુ રાખવામાં આવશે તો આ અમારી આસ્થાનું કેન્દ્ર અને ધર્મની સાથે જોડાયેલી બાબત હોવાથી અમે ઉગ્ર વિરોધ કરીશું.
ઉલ્લેખનીય છે કે, રૈયા ગામનાં સમાધિ સ્થાનમાં સાધુ સમાજ અને રાવળ દેવ સમાજનાં લોકોને ઘણા વર્ષોથી સમાધિ આપવામાં આવે છે. તાજેતરમાં આ જગ્યા પર બે કૂતરાઓને સમાધિ આપવામાં આવતા ટ્રસ્ટીઓ સામે સાધુ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે આજે સાધુ-સંતો અને રાવળદેવ સમાજના આગેવાનો મનપા કચેરીએ પહોંચ્યા હતા અને આ મામલે જે કોઈ જવાબદાર હોય તેની સામે પગલાં લેવા રજૂઆત કરાઈ હતી. ત્યારે મનપા તંત્ર દ્વારા આ મામલે ક્યારે અને કેવી કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું.



