ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.4
મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા બદલવાની કામગીરીના ભાગરઇપે બુધવારે બપોરે બે દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ દરવાજા 41 કલાક સુધી ખુલ્લા રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન ડેમમાંથી કુલ 431 એમસીએફટી પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું.
મચ્છુ-2 ડેમમાં કુલ 38 દરવાજા છે. ગત વર્ષે પાંચ દરવાજા બદલવામાં આવ્યા હતા. બાકીના 33 દરવાજાને એકસાથે બદલવાની કામગીરી આ વર્ષે શરૂ કરવામાં આવી છે. 2 ફેબ્રુઆરી 2024ના રોજ બપોરે 4 વાગ્યે બે દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. ડેમના અધિકારી ભાવિનભાઈ પનારાના જણાવ્યા મુજબ, આજે સવારે 9:30 કલાકે દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. હાલમાં ડેમમાં 16.77 ટકા પાણીનો જથ્થો છે, જે આગામી ચોમાસા સુધી પીવાના પાણીની જરૂરિયાત પૂરી પાડશે.
- Advertisement -
છોડવામાં આવેલા પાણીથી મચ્છુ-2 ડેમથી દરિયા સુધીના નવ ચેકડેમો ભરાઈ ગયા છે. આ પાણી ખેડૂતોને સિંચાઈ માટે ઉપયોગી થશે. વધુમાં, મચ્છુ-3 ડેમમાંથી કેનાલ દ્વારા માળિયા તાલુકાના મોટાભેલા, નવાગામ અને સરવડ સુધી પાણી પહોંચાડવામાં આવ્યું છે. આ પાણી પશુધન અને સ્થાનિક લોકોની પાણીની જરૂરિયાત પૂરી પાડશે.



