ઘંટેશ્ર્વરમાં વર્ષોથી રહેણાંક હેતુ માટે જમીન ફાળવણી શા માટે નહીં? શું તંત્ર વ્હાલા-દવલાની નીતિ અપનાવે છે?
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સિંધુ ભવન ટ્રસ્ટને ફાળવેલી જમીન સામે વાંધાઅરજી અને વર્ષોથી રહેણાંક હેતુ માટે જમીન ફાળવણી કરવા અંગે ઘંટેશ્ર્વર ગામમાં રહેતાં મોમભાઈ કરમણ વરૂએ રાજકોટ જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે.
- Advertisement -
આ અરજીમાં મોમભાઈ વરૂએ જણાવ્યું છે કે તા. 13-11-2024ના હુકમ નં. લેન્ડ/અપીલ/ર/ફ.નં.55/2017 સામે અરજદારને સખત વિરોધ અને વાંધો છે કારણ કે આ હુકમ મુજબ જ જો કાર્યવાહી થતી હોય અને કાયદા મુજબ જગ્યા ફાળવી શકાતી હોય તો અરજદારને આ કાયદાનો લાભ મળેલો નથી અને આવી કોઈ સરકારી રાહત અમને મળેલી નથી જે સરાસર અન્યાય સમાન છે. અરજદારની હકીકત એ છે કે અરજદારના પિતા અને દાદા સમયથી અને અમે જન્મ સમયથી રાજકોટ તાલુકાના ઘંટેશ્ર્વર ગામમાં પરિવાર સાથે વસવાટ કરીએ છીએ છતાં આજદિન સુધી રહેણાંક હેતુ માટે જગ્યા ફાળવવા માટે સરકાર કે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હાલ જે જગ્યાએ રહીએ છીએ તે જગ્યા અંદાજે 60 વર્ષથી કે તેથી વધુ સમયથી અમારા કબજા ભોગવટામાં છે અને ત્યાં જ પરિવાર સાથે વસવાટ કરીએ છીએ આમ છતાં સ્થાનિક તંત્ર કે સત્તા તંત્ર દ્વારા ક્યારેય કોઈ પગલાં લીધા નથી.
સ્થાનિક તંત્ર અને ઉચ્ચ કક્ષાએ અવારનવાર રજૂઆતો અને અરજીઓ કરેલી કે નિયમ મુજબ અને કાયદા પ્રમાણે અમોને રહેણાંક હેતુ માટે જગ્યા ફાળવવી જોઈએ પરંતુ આજદિન સુધી આવી કોઈ કાર્યવાહી કરી નથી. સ્થાનિક તંત્ર કે પંચાયત અસ્તિત્વમાં હતી તે સમયથી વ્હાલા-દવલાની નીતિ અપનાવવામાં આવેલી હતી, જેના પરિણામે હક્ક મળેલો નથી અને આજે કાયદેસરના હક્કથી વંચિત છીએ. અનેકવાર અરજીઓ કરી છતાં હક્કની જમીન કે જગ્યા રહેવા માટે ફાળવવામાં આવી નથી આમ આ અંગે યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.



