ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
63 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર રાઉન્ડ ટેબલ ઈન્ડિયા દ્વારા વાર્ષિક ક્રિકેટ ટુર્નામેન્ટ-જાફાનું આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં 18 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાત (એરિયા-11)ની ટીમ ચેમ્પિયન બની હતી. રોમાંચક સેમિફાઈનલમાં જીત બાદ ટીમ (એરિયા-9) સામે ફાઈનલમાં ટકરાઈ હતી. એરિયા-9 અને એરિયા-11 ગયા વર્ષે સંયુક્ત વિજેતા રહ્યા હતા. આ વખતે ફાઈનલમાં ગુજરાતની (એરિયા-11) ટીમે પ્રથમ બેટીંગ કરતાં 15 ઓવરમાં 152-5નો સ્કોર કર્યો હતો. જેમાં અંકિતે 25 બોલમાં અણનમ 50 રન કર્યા હતા. જેની સામે હરિફ ટીમ એરિયા-9ની ટીમ 13.5 ઓવરમાં 133 રને ઓલઆઉટ થઈ જતાં ગુજરાતની ટીમનો 19 રને વિજય થયો હતો. કશ્યપ રાવલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યો હતો. વિક્રમ લાલવાનીના નેતૃત્વ હેઠળ એરિયા-11 આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રોફી જીતનાર રાજ્યની એકમાત્ર ટીમ છે અને વિક્રમ લાલવાનીના નેતૃત્વમાં સતત બીજી વાર આ ટ્રોફી મેળવી છે. છેલ્લા 14 વર્ષમાં એરિયા-11ની ટીમે ત્રીજી ટ્રોફી જીતી છે. એરિયા ચેરમેન ટેબલ સ્વરાજ લહોતીએ જણાવ્યું ટીમમાં 35 સભ્યોએ ભાગ લીધો હતો જેમાં રાજકોટ, જામનગર, અમદાવાદ, વડોદરા સહિતના શહેરોના ખેલાડીઓ પણ સામેલ હતા.
શ્રીલંકામાં યોજાયેલી ‘જાફા’ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાત (એરિયા-11)ની ટીમ વિજેતા



