સંસ્થા દિવાળીએ ધમધમતી કરવાની હોય ઝડપી કામગીરીની સૂચના
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા પંથકની જીવાદોરી સમાન 12 વર્ષથી બંધ પડેલ ખાંડ ફેક્ટરી પુન:ધમધમતી કરવા સંસ્થા નું રીનોવેશન કરી અધતન ટેકનોલોજી થી સજ્જ કરવાની કામગીરી શરૂ થતા ખેડૂતોમાં ખુશી પ્રસરી છે. તાલાલા ખાંડ ફેક્ટરી ઇન્ડિયન પોટાશ લિમિટેડ-નવી દિલ્હીને 30 વર્ષના ભાડાપટ્ટે આપ્યા બાદ કંપની દ્વારા સંસ્થાની સંપૂર્ણ કાયાપલટ કરી નવનિર્મિત બનાવવા કામગીરી શરૂ થઈ છે.આ દરમિયાન કંપનીના ચીફ મેનેજર આર.વી.સિંઘ,મેનેજિંગ ડિરેક્ટર ગેહલોત સાહેબ,વાઇસ પ્રેસિડેન્ટ નીરજ શર્મા વિગેરે વરિષ્ઠ અધિકારીઓની ટીમ સંસ્થાની રીનોવેશન કામગીરી નિહાળવા તાલાલા આવી હતી.સંસ્થા દિવાળી ઉપર ધમધમતી કરવાની હોય રીનાવેશનની કામગીરી ઝડપી કરવા જરૂરી સુચનાઓ સાથે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
- Advertisement -
કંપનીના ઉચ્ચ અધિકારીઓએ સંસ્થાના ચેરમેન ભીમશીભાઈ બામરોટીયા,એમ.ડી ચીનાભાઈ કામળીયા સાથે પણ બેઠક કરી હતી.આ બેઠકમાં ખાંડ ફેક્ટરી માટે શેરડીનો જથ્થો ઉપલબ્ધ થાય માટે સૂચનો કરતા ચેરમેન તથા એમ.ડી.એ જણાવ્યું હતું કે તાલાલા પંથકમાં કેસર કેરી તથા વેરાવળ વિસ્તારમાં નાળિયેરીનું વાવેતર વધુ છે જેથી ખુલ્લી જમીન બંને તાલુકામાં ઓછી હોય શેરડીના વાવેતર માટે સોરઠના અન્ય તાલુકા ઉપર ભાર મૂકવો જોઈએ.આ માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરતી યોજનાઓ સાથે ખેડૂત શિબિર,સેમીનારોનું આયોજન કરવા ઉપયોગી સૂચનો કર્યા હતા.
આગામી દિવસોમાં ગૃહ અને સહકાર મંત્રી પધારશે
ગીર સોમનાથ જિલ્લાની તાલાલા-કોડીનાર ની બંધ પડેલ ખાંડ ફેક્ટરી પુન:ધમધમતી થાય,ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને તેમનો મહત્તમ લાભ પ્રાપ્ત થાય…પરિણામે તાલાલા-કોડીનાર વિસ્તાર ને વિકાસની નવી તક મળે માટે બંને સંસ્થા પુન:કાર્યરત કરવા કેન્દ્ર સરકારનો પણ સક્રિય સહયોગ પ્રાપ્ત થયો છે.આગામી દિવસોમાં કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ તાલાલા અને કોડીનાર ખાંડ ફેક્ટરીની મુલાકાતે પધારી રહ્યા હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળે છે.અમિતભાઈ શાહ બંને સંસ્થા ઝડપથી શરૂ થાય માટે સતત પ્રયત્નશીલ હોય બંને તાલુકાના ખેડૂત અગ્રણીઓ સાથે પરામર્શ કરી ઉપયોગી માર્ગદર્શન આપશે.



