જિલ્લાના પીએચસી, સીએચસી અને ખાનગી ક્લિનિકમાં પણ દર્દીઓનો ધસારો વધ્યો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.22
મોરબી સહિત રાજ્યભરમાં હવે શિયાળાની વિદાયના દિવસો ગણાઇ રહ્યા છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન મહતમ તાપમાન 34 થી 35 ડિગ્રી આસપાસ જ્યારે લઘુતમ તાપમાન 15 થી 17 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે. જેના કારણે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. મિશ્ર ઋતુની અસરન લોકોના સ્વાસ્થ્ય પર પણ થઈ રહી છે અને તેના કારણે શરદી, ઉધરસ અને તાવ, શરીરમાં દુખાવો માથાના દુ:ખાવા, પેટમાં દુખાવો, ઊબકા, ઊલટી, ગાળામાં દુ:ખાવો જેવા દર્દ અને દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. મોરબી સિવિલમાં એક દિવસ દરમિયાન 400થી વધુના ઓપીડી કેસ નોંધાઈ રહ્યા છે આ ઉપરાંત ખાનગી ક્લિનિકમાં પણ સિઝનલ બીમારીની ફરિયાદો લઇને આવતા દર્દીઓ વધ્યા છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધ લોકોમાં વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. સિવિલમાં એક જ દિવસમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને કેસ બારી પર કતારો લાગી જવા પામી હતી.



