ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.25
76મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીની અધ્યક્ષતામાં ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે કરવામાં આવનાર છે. પ્રજાસત્તાક પર્વના પૂર્વ દિને આ પર્વની ઉજવણીનું ફુલડ્રેસ રિહર્સલ જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા નિશ્રામાં ઉનાના એચ.ડી. હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે યોજાયું હતું.
આ રિહર્સલમાં કલેકટરશ્રીએ જિલ્લામાં મંત્રીશ્રીનું આગમન, ધ્વજવંદન, પોલીસ ટૂકડી દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, ઉદબોધન સહિતનાં આયોજનોનું રિહર્સલ નિહાળી તેનું નિરીક્ષણ કર્યું હતું.
કલેકટરશ્રીએ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા યોજાનાર પરેડ નિહાળી હતી. આ ઉપરાંત કાર્યક્રમનાં દિવસે પદાધિકારીશ્રી/ અધિકારીશ્રીઓ, નાગરિકો વગેરેની બેઠક વ્યવસ્થા અંગેની જાણકારી મેળવી આ માટેની સુચારું વ્યવસ્થા ગોઠવવા માટેની સૂચનાઓ ઉપસ્થિત અધિકારીઓને આપી હતી. રિહર્સલમાં પુરૂૂષ પોલીસ ટૂકડી, મહિલા પોલીસ ટૂકડી, હોમગાર્ડ હથિયારી, એન.સી.સી. કેડેટ્સ, પોલીસ બેન્ડ સહિતની ટૂકડીઓ દ્રારા પરેડ યોજવામાં આવી હતી.આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
76મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીનું રિહર્સલ કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયું



