રાજકોટ શહેર-જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલના બે દરોડા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
રાજ્યભરમાં દારૂની હેરાફેરી ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ સતત વોચ રાખી રહી છે ગત રાત્રે એક સાથે ત્રણ સ્થળે દરોડા પાડયા હતા જેમાં આટકોટ પાસેથી 61.46 લાખનો દારૂ ભરેલું ટેન્કર ઝડપી લઈ 6 સામે ગુનો નોંધ્યો છે જ્યારે ટંકારાના લજાઈ ગામે ગોડાઉનમાંથી 11.81 લાખનો દારૂ મળી આવતા બેલડીની શોધખોળ હાથ ધરી છે તેમજ રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી આઇસરમાં દોઢ લાખનો 104 બોટલ દારૂ સંતાડીને લાવતા બે શખ્સોને દબોચી લઈ 7.21 લાખનો મુદામાલ કબજે કર્યો છે.
- Advertisement -
સ્ટેટ મોનીટરીંગ સેલના ડીજી નિર્લિપ્ત રાયની સૂચના અને ડીવાયએસપી કે ટી કામળીયાના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં દારૂ જુગારના કેસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઇ આર કે કરમટા અને ટીમને મળેલી બાતમી આધારે રાજકોટ જિલ્લાના આટકોટ પાંચવડા રોડ ઉપર વોચ ગોઠવી હતી દરમિયાન ઇન્ડિયન ઓઇલ લખેલા ટેન્કર પસાર થતાં પોલીસે અટકાવવા પ્રયાસ કરતાં ટેન્કર ચાલક અને કલીનર ટેન્કર મુકી નાસી છુટયા હતા ટેન્કરની તલાસી લેતા ટેન્કરના ખાનામા છુપાવી રાખેલી રૂ.61.46 લાખની કિંમતનો 782 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે રૂ.61.46 લાખની કિંમતનો દારૂ અને ટેન્કર મળી રૂ.81.46 લાખનો મુદામાલ કબજે કરી આટકોટ પોલીસ સ્ટેશન ખાતે નાશી છૂટેલા ડ્રાયવર, ક્લીનર, દારૂનો જથ્થો મોકલનાર બેલડી અને મંગાવનાર સહિત પાંચ સામે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાવી તપાસ હાથ ધરી છે. તેમજ પીએસઆઈ એસ વી ગડચર અને ટીમે બાતમી આધારે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસે વોચ ગોઠવી બાતમીવાળું આઇસર અટકાવી જડતી લેતા ચોરખાનામાંથી 1.56 લાખનો 104 બોટલ દારૂ મળી આવતા કુવાડવા રોડ એલપી પાર્કના મનીષ પ્રભાતભાઈ હેરમા અને બેડીપરાના કલ્પેશ ઘનુભાઈની ધરપકડ કરી દારૂ, આઇસર, મોબાઈલ સહિત 7,20,635 રૂપિયાનો મુદામાલ કબજે કરી બંને વિરુધ્ધ બી ડિવિઝન પોલીસમાં ગુનો રજીસ્ટર કરાવી વધુ તપાસ હાથ ધરી છે.



