ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લાની રાણાવાવ પાલિકા અને કુતિયાણા પાલિકાની ચૂંટણીની ટર્મ 24 ફેબ્રુઆરી 2023થી પૂર્ણ થઈ હતી અને તા. 25 ફેબ્રુઆરી 2023થી રાણાવાવ અને કુતિયાણા પાલિકા ખાતે વહીવટદારનું શાશન ચાલી રહ્યું છે. રાજ્યમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, પાલિકા સહિતની ચૂંટણી માટેના આયોજનની તૈયારી શરૂ કરવામાં આવી હતી, રાણાવાવ અને કુતિયાણાની મતદાર યાદી તૈયાર કરવામાં આવી હતી અને બુથ ની યાદી પણ તૈયાર કરી દેવામાં આવી છે.
ચૂંટણીની તારીખ જાહેર થઈ છે. તા.16 મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે અને તા. 18 ફેબ્રુઆરીના મતગણતરી યોજાશે. રાણાવાવ તાલુકા પંચાયતની એક સીટ 10 રામગઢની સીટ પણ ખાલી છે ત્યારે રાણાવાવ અને કુતિયાણા પાલિકા ચૂંટણી તેમજ 10 રામગઢની પેટા ચૂંટણી તા. 16 મી ફેબ્રુઆરીના રોજ યોજાશે અને 18મી ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજાશે. ત્યારબાદ નવા સુકાનીઓ શાસન સંભાળશે. 23 માસ સુધી ચાલેલા વહીવટદાર શાસનનો અંત આવશે. રાણાવાવ તાલુકા પંચાયતની 10 રામગઢ સીટ તારીખ 20 માર્ચ 2023 થી ખાલી થઈ છે. આ સીટ પરના સભ્ય બેઠક પર સતત ગેરહાજર રહેતા હતા જેથી પંચાયત દ્વારા આ સીટ ખાલી કરી હતી.
- Advertisement -
રાણાવાવમાં મતદારો અને બુથની સંખ્યા
રાણાવાવ પાલિકા ખાતેના વિસ્તારમાં કુલ 7 વોર્ડમાં 41 મતદાન મથક છે. જ્યા ચૂંટણી યોજાશે. રાણાવાવ પાલિકા ખાતે 16963 સ્ત્રી મતદાર અને 17808 પુરુષ મતદાર તેમજ 3 અન્ય જેન્ડર મળી કુલ 34774 મતદાર નોંધાયા છે.
કુતિયાણા પાલિકા ખાતે બુથ અને મતદારો
કુતિયાણા પાલિકા વિસ્તારમાં કુલ 6 વોર્ડમાં 18 બુથની યાદી બનાવવામાં આવી છે. કુતિયાણા પાલિકા વિસ્તારમાં 6730 સ્ત્રી મતદાર અને 7096 પુરુષ મતદાર નોંધાયા છે. કુલ 13876 મતદાર નોંધાયા છે.



