આવક વધતા કિલોનો ભાવ રૂ.7થી 10એ પહોંચ્યો, યાર્ડમાં આવક બંધ કરવાની સ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
- Advertisement -
ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જુલાઇ માસમાં ડુંગળીનું પાછોતરું વાવેતર થયું હતું. આ સમયે ડુંગળીને અનુકૂળ વાતાવરણ હોવાને કારણે ઉત્પાદન વધારે આવ્યું હતું. ઉત્પાદન એકીસાથે આવતા હાલ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના યાર્ડમાં ડુંગળીની આવકમાં વધારો થયો છે.
અત્યારે રાજકોટ યાર્ડમાં ડુંગળીની દૈનિક આવક 26 લાખ કિલોએ પહોંચી છે. જે અત્યાર સુધીની રેકોર્ડબ્રેક આવક કહી શકાય. આવક વધારે છે, સામે લોકલ ડિમાન્ડ પણ નથી અને એક્સપોર્ટનું ચિત્ર પણ બદલાયું છે. ત્યાંની ડિમાન્ડ પણ ઘટી છે. જેને કારણે સ્થાનિક માર્કેટમાં ભાવમાં ઘટાડો આવ્યો છે.જે ડુંગળીનો ભાવ બે મહિના પહેલાં રૂ.20થી 30 સુધી બોલાતો હતો તેનો ભાવ અત્યારે રૂ.7થી 10 સુધી બોલાઇ રહ્યા છે.
રેકોર્ડબ્રેક આવક થવાને કારણે યાર્ડમાં ડુંગળી સમાવવી એ પણ એક પ્રશ્ન થયો છે. આથી યાર્ડમાં પડતર માલનો નિકાલ થયા બાદ નવી આવક બંધ રાખવામાં આવી રહી છે. તેમ યાર્ડના ઈન્સ્પેક્ટર કનુભાઈ ચાવડા જણાવી રહ્યા છે.યાર્ડમાં ડુંગળીની આવક વધારે હોવાને કારણે સોમવારે રાત્રે પણ વાહનોને યાર્ડમાં પ્રવેશ આપવો પડ્યો હતો. સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો યાર્ડમાં ડુંગળી વેચવા માટે આવ્યા હોવાને કારણે હાઈવે પર વાહનોના થપ્પા જોવા મળ્યા હતા. બીજા રાજ્યોમાંથી પણ ડુંગળીની આવક થઇ રહી છે. નવેમ્બર મહિના સુધી રાજકોટ યાર્ડમાં ડુંગળીની આવક 12 લાખ કિલો હતી અને તેનો ભાવ પ્રતિ કિલો રૂ.30 સુધી વસૂલાતો હતો.
- Advertisement -
હજુ 15 દિવસ સુધી આ આવક યથાવત્ રહે તેવી સંભાવના વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટ ઉપરાંત ગોંડલ, જામનગર, ખંભાળિયા, ધ્રોલ સહિત સૌરાષ્ટ્રભરના યાર્ડમાં ડુંગળીની આવક વધી રહી છે.
મગફળીની 30 હજાર ક્વિન્ટલની આવક થઇ
હાલ યાર્ડમાં કપાસ અને મગફળીની સિઝન ચાલી રહી છે. બેડી યાર્ડમાં ગત સપ્તાહે પડતર મગફળીનો નિકાલ થયા બાદ સોમવારે નવી આવક સ્વીકારવામાં આવી હતી. સોમવારે 30 હજાર ક્વિન્ટલ મગફળીની આવક થઇ હતી. જેમાં ઝીણી મગફળીની આવક સૌથી વધારે હતી. જેનો ભાવ રૂ.900થી 1250 પ્રતિ મણ બોલાયો હતો. આ સિવાય કપાસની 3700 ક્વિન્ટલ આવક થઇ હતી. જેનો પ્રતિ મણ ભાવ રૂ.1300થી 1477 સુધી બોલાયો હતો. યાર્ડમાં આ આવક માર્ચ મહિના સુધી ચાલુ રહેશે. યાર્ડમાં જણસીની સિઝન ચાલુ હોવાને કારણે સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જણસી લઇને આવી રહ્યા છે.



