અમેરિકન ડ્રીમ: ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ
અંગ્રેજી ભાષા આવડતી ન હોય તો એ શીખવાની તેઓ કોશિશ નથી કરતા, જ્યારે એમને કહેવામાં આવે છે કે ‘તમે વિઝા મળેની વાટ જોતાં બેઠા છો તો એ સમયનો સદુપયોગ કરો અને અંગ્રેજી ભાષા શીખો, અંગ્રેજી બોલતાં શીખો, વાંચતાં-લખતાં શીખો
- Advertisement -
આગળના લેખોમાં જણાવ્યા મુજબ ઈમિગ્રન્ટ વિઝા મેળવવા માટે ભારતીયોએ વાર્ષિક ક્વોટાના બંધનોના કારણે ખૂબ લાંબી વાટ જોવી પડે છે. જેમ જેમ અમેરિકામાં ભારતીયોની વસતિ વધતી જાય છે તેમ તેમ આ વાટ જોવાનો સમય પણ લંબાતો જાય છે. અને આજે એ સમય એક નહીં, બે નહીં, પણ દસ-પંદર વર્ષ કે એથી પણ વધુ વર્ષો સુધી લંબાયેલો છે. આવી જ પરિસ્થિતિ એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ અમેરિકામાં કામ કરવા જવા માટેના અને એ માટે ત્યાં કાયમ રહેવા માટેના ઈમિગ્રન્ટ વિઝા માટે જે પિટિશનો દાખલ કરવામાં આવે એની પણ છે. એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ પણ ઈમિગ્રન્ટ વિઝા મેળવવા માટે ભારતીયોએ ખૂબ ખૂબ લાંબી વાટ જોવી પડે છે. વર્ષ 1990માં જે અમેરિકાના નવા બિઝનેસમાં પૈસાનું રોકાણ કરીને ઈમિગ્રન્ટ વિઝા આપવાની શરૂઆત કરવામાં આવી એ ‘ઈબી-5 બેઝિક પ્રોગ્રામ’, જેને લોકો ‘ઈબી-5 સ્ટેન્ડઅલોન પ્રોગ્રામ’ કહે છે અને ત્યાર બાદ વર્ષ 1992માં ‘ઈબી-5 પાઈલોટ પ્રોગ્રામ’ દાખલ કરવામાં આવ્યો, જેની હેઠળ અમેરિકાના ઈમિગ્રેશન ખાતાએ માન્ય કરેલા રિજનલ સેન્ટરોમાં રોકાણ કરવાનું રહે છે, જેને લોકો ‘ઈબી-5 રિજનલ સેન્ટર પ્રોગ્રામ’ કહે છે. આ બન્ને પ્રોગ્રામો હેઠળ દસ લાખ પચાર હજાર ડોલર અથવા તો આઠ લાખ ડોલરનું રોકાણ કરવાનું રહે છે અને તેમ છતાં આ ‘ઈબી-5 બેઝિક’ કે ‘ઈબી-5 પાઈલોટ પ્રોગ્રામ’ હેઠળ ઈમિગ્રન્ટ વિઝા મેળવવા માટે ભારતીયોએ બેથી માંડીને પાંચ વર્ષ સુધી વાટ જોવી પડે છે.
ચાઈનામાં વસતા ચીની લોકો માટે તો આ ‘ઈબી-5 પ્રોગ્રામ’ હેઠળ દસ વર્ષ યા એથી વધુ વાટ જોવાનો સમય આવી ગયો છે. જેમના લાભ માટે ઈમિજિયેટ રિલેટિવ કેટેગરી હેઠળ યા ચાર જુદી જુદી ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ કે પછી ચાર જુદી જુદી એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ તેમ જ ‘ઈબી-5 પ્રોગ્રામ’ હેઠળ ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરવામાં આવે છે. એ બેનિફિશિયરીઓને જાણ હોય છે કે એમના લાભ માટે જે ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરવામાં આવ્યું છે એની હેઠળ વિઝા મેળવતાં એમને વર્ષો લાગી શકશે. આ જાણકારી હોવા છતાં તેઓ આ સમયનો જે દરમિયાન તેઓ એમનું પિટિશન કરન્ટ થાય અને એમને ઈમિગ્રન્ટ વિઝા મળી શકે એની વાટ જોતાં બેસી રહ્યા હોય છે તેઓ અંગ્રેજી ભાષા શીખવા માટે તેમ જ અમેરિકામાં તેઓ ક્યાં રહેવા જશે, જીવનનિર્વાહ માટે શું કાર્ય કરશે એની જાણકારી મેળવવાની બિલકુલ તસ્દી નથી લેતા. એમને બરાબરની જાણકારી હોય છે કે અમેરિકામાં બધો જ વ્યવહાર અંગ્રેજી ભાષામાં થાય છે. અને તેમ છતાં તેઓ કાયમ માટે અમેરિકામાં રહેવા જવાના હોય છે તોયે એમને અંગ્રેજી ભાષા આવડતી ન હોય તો એ શીખવાની તેઓ કોશિશ નથી કરતા.
જ્યારે એમને કહેવામાં આવે છે કે ‘તમે વિઝા મળેની વાટ જોતાં બેઠા છો તો એ સમયનો સદુપયોગ કરો અને અંગ્રેજી ભાષા શીખો, અંગ્રેજી બોલતાં શીખો, વાંચતાં-લખતાં શીખો. અમેરિકનોના અંગ્રેજી ભાષાના ઉચ્ચારો ભારતમાં જે રીતે અંગ્રેજી ભાષા બોલાય છે એનાથી સાવ જુદા હોય છે એટલે અનેક વાર અમેરિકનો જે અંગ્રેજી બોલે છે એની ભારતીયોને સમજ નથી પડતી તો તમે અમેરિકનોના અંગ્રેજી ભાષાના ઉચ્ચારો શીખવાનો પ્રયત્ન કરો. વિઝા માટે જે વર્ષોની વાટ જોતાં બેસી રહો છો એ સમયનો સદુપયોગ કરો.’ ખેદ સાથે એ કબૂલવું પડે છે કે આમાંના કોઈ કરતાં કોઈ અંગ્રેજી ભાષા શીખવાનો પ્રયત્ન નથી કરતા. મોટા બાગે જ્યારે એમને કહેવામાં આવે છે કે અંગ્રેજી શીખો. ત્યારે જવાબમાં તેઓ કહે છે કે ‘અમારી ઉંમર કંઈ શીખવાની થોડી છે. અમે હવે ત્રીસ-ચાલીસ-પચાસ વર્ષના થઈ ગયા છીએ. આ ઉંમરે કંઈ નવી ભાષા ઓછી શીખી શકાય? અમે જો આ ઉંમરે ભણવા લાગીએ, એ માટે સ્કૂલ કે ક્લાસમાં જઈએ કે ઘરે માસ્ટરને બોલાવીએ તો સૌ અમારા ઉપર હસશે, અમારી ઠેકડી ઉડાડશે, ‘તમારી ઉંમર કંઈ હવે ભણવાની નથી રહી.’
- Advertisement -
આ પ્રકારની વિચારધારા સાવ ખોટી છે. ભણવાની કોઈ ઉંમર નથી હોતી. મનુષ્ય ધારે તો ગમે તે ઉંમરે ભણી શકે છે. નવી ભાષા શીખી શકે છે. વાચકમિત્રો, જો તમને અંગ્રેજી ભાષા બરાબર આવડતી હશે તો તમે જ્યારે અમેરિકામાં સ્થળાંતર કરશો, ત્યાં કાયમ રહેવા માટે જશો તો તમે અમેરિકનો જોડે છૂટથી હળીભળી શકશો. એમની જોડે અંગ્રેજીમાં વાર્તાલાપ કરી શકશો. અને આ કારણસર તમે તમારો અમેરિકાનો વસવાટ ઉપયોગી બનાવી શકશો. જો અંગ્રેજી આવડતું હશે તો તમે બિનધાસ્ત અમેરિકામાં હરીફરી શકશો, ત્યાં રહેતા લોકો જોડે હળીભળી શકશો. વેપાર કરશો તો વ્યાપારી જોડે ધંધાને લગતી ચર્ચાઓ જાતે કરી શકશો. જો તમે વિદ્યાર્થી હોવ અને તમારાં માતા-પિતા જોડે ડિપેન્ડન્ટ તરીકે અમેરિકા જવાના હોવ અને જો અંગ્રેજી ભાષા બરાબર આવડતી હશે તો તમને અમેરિકાની સ્કૂલ કે યુનિવર્સિટીમાં સહેલાઈથી પ્રવેશ મળી શકશે. અને તમે એમાં અપાતું શિક્ષણ સારી રીતે ગ્રહન કરી શકશો. અમેરિકા કાયમ રહેવા જવું ન હોય અને ફક્ત ત્યાંની યુનિવર્સિટી ઉચ્ચ અભ્યાસ કરવા માટે જવું હોય તો પણ અંગ્રેજી ભાષા ઉપરનું પ્રભુત્વ તમને સારી યુનિવર્સિટીમાં પ્રવેશ અપાવશે. અઠવાડિયાના કેમ્પ્સ ઉપર તમને જે પરદેશી વિદ્યયાર્થી તરીકે વીસ કલાક કામ કરવાની છૂટ આપવામાં આવે છે એ ઓન કેમ્પ્સ જોબ મેળવી શકશો. અને ભણી રહ્યા બાદ ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પિરિયડમાં સારી કંપનીમાં નોકરી મેળવી શકશો. અમેરિકામાં જો કાયમ રહેવા જવાના હોવ તો તો તમારે અંગ્રેજી ભાષા શીખવી જ જોઈએ. તો જ તમે એ વિશ્ર્વના આગળ પડતા દેશનો ફાયદો મેળવી શકશો. યાદ રાખજો, ભણવાની કોઈ ઉંમર નથી હોતી.