રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચારેકોર ગંદકી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આજે આપને રાજકોટ સિવિલ હોસ્પિટલની વરવી વાસ્તવિકતાના દર્શન કરાવવા છે. સિવિલના મુખ્ય કેમ્પસમાં ભંગાર બનેલી મોટી એમ્બ્યુલન્સ, નાની કાર એમ્બ્યુલન્સ સહીત અનેક ભંગારનો સામાન પડેલો છે. હાલમાં વરસાદી માહોલ છે અને આવનારા 25 દિવસમાં ચોમાસુ પણ બેસી જશે. સમગ્ર કેમ્પસમાં ગંદકીના રાજને લઈને ચોખ્ખાઈનો અભાવ વર્તાઈ રહ્યો છે. આમ તો સરકાર દરેક જગ્યાએ સ્વચ્છતા સંબંધી વાતો કરતી હોય છે.
તૂટેલી કુંડીઓ, જ્યાં-ત્યાં કચરા રોગચાળો નોતરવા સક્ષમ, સત્તાધીશોએ આ બાબતે ડોકિયું કરવું જોઈએ
પણ સરકારી જગ્યાએ જ નિમાયેલા સત્તાધીશોને આ બાબતે કોઈ ગંભીરતા કે સ્વચ્છતા જાળવી રાખવાની ઈચ્છા હોય એવું લાગતું નથી. ઘણા સમયથી આ પ્રકારની અનેક બિન જરૂરી વસ્તુઓના ઢગ સિવિલ કેમ્પસમાં જોવા મળી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ દ્વારા તેનો યોગ્ય નિકાલ પણ કરવામાં આવતો નથી. કેમ્પસમાં સાઈડની બાજુએ ખુલ્લી કુંડી પણ છે. જેમાં કચરાનો મસાલો જોવા મળ્યો છે, ઇમારતની વચ્ચેની ખુલ્લી જગ્યામાં જે-તે પડ્યું છે. જરૂરી સાફસફાઈને લઈને કોણ જવાબદાર ? એસીમાં બેસતા સત્તાધીશોએ થોડીવાર કેમ્પસમાં ચક્કર પણ લગાવવો જોઈએ જેથી અહીંની પરિસ્થિતિ શું છે તેનો થોડો ખ્યાલ રહે.
- Advertisement -
દોરડું બાંધી ડોલ વડે બ્લડ સેમ્પલની આપ-લે !
સિવિલ હોસ્પિટલમાં લિફ્ટ બંધ થઇ ગઈ છે. તેથી બ્લડ સેમ્પલની આપ-લે દોરડું બાંધી ડોલ વડે થઇ રહી છે. લેબોરેટરીની લિફ્ટ બંધ થતાં ડોલ સાથે દોરડું બાંધીને સેમ્પલ ઉપર મોકલાવામાં આવી રહ્યા છે. ખાસ ખબરે ઇન્ચાર્જ મીડિયા કો-ઓર્ડિનેટરે સાથે વાત કરતા તેમને કહ્યું કે; ટૂંક સમયમાં રીપેરીંગ લિફ્ટનું રીપેરીંગ થઇ જશે. પરંતુ અહીં સવાલ એ છે કે આ રીતે બ્લડ સેમ્પલની આપ-લે કરી શકાય ? જો કે આ પણ એક તપાસનો વિષય છે. કોઈ પણ મુશ્કેલી બાદ કઈ રીતે તેનો હલ કાઢવો તે વિષે થોડી કાળજી પણ રાખવી જોઈએ. હવે જોવાનું એ રહ્યું કે આ લિફ્ટ ક્યાં સુધીમાં રીપેર થાય છે.