અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે શેરબજારની જોરદાર શરૂઆત થઈ છે, બજાર ખૂલતાંની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લા બે અઠવાડિયામાં ઉતાર-ચઢાવ બાદ રોકાણકારોને આ અઠવાડિયે શેરબજારમાં થોડી સ્થિરતાની અપેક્ષા છે, એવામાં આજે એટલે કે સોમવારે શેરબજારની શરૂઆત સારા ઉછાળા સાથે થઈ છે.
બજાર ખૂલતાંની સાથે જ સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુ વધીને 81,697 પર પહોંચ્યો હતો અને બીજી તરફ નિફ્ટીમાં પણ 94 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. થોડા સમય બાદ સેન્સેક્સ 505.39 પોઈન્ટના વધારા સાથે 81,886.75 પર તો નિફ્ટી 154 પોઇન્ટના ઉછાળા સાથે 25,119 સુધી પહોંચી ગયો હતો. નિફ્ટીના ટોપ ગેનર્સમાં વિપ્રો અને શ્રીરામ ફાઇનાન્સ 2%થી ઉપર ટ્રેડ કરી રહ્યાં છે. L&Tમાં પણ લગભગ બે ટકાનો ઉછાળો છે. એચડીએફસી બેંક અને હીરો મોટોકોર્પમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.
- Advertisement -
સેન્સેક્સમાં એચડીએફસી બેંક, ટેક મહિન્દ્રા, જેએસડબલ્યુ સ્ટીલ, અદાણી પોર્ટ્સ, ઇન્ફોસીસમાં ઉછાળો જોવા મળ્યો, તેની સામે એક્સિસ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઇનાન્સ, ટાઇટન અને બજાજ ફિનસર્વમાં ઘટાડો જોવા મળ્યો હતો. ભારતીય શેરબજાર શુક્રવારે ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 230.05 પોઈન્ટ અથવા 0.28 ટકા ઘટીને 81,381.36 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 34.20 પોઈન્ટ અથવા 0.14 ટકા ઘટીને 24,964.25 પર બંધ થયો હતો.