પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને જામનગર-દ્વારકામાં વરસાદી માહોલ જામ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગઈકાલે મોડી રાતથી ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બીજીતરફ હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે સમગ્ર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી સાત દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે.આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 12 તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. પાટણના સરસ્વતી વિસ્તારમાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. હાલમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મેઘમહેર શરૂ થઈ છે. પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને જામનગર-દ્વારકા તેમજ કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે. બીજી તરફ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
સવારે ઇડરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. બાકીના પાંચ તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જ્યારે જિલ્લાના જળાશયોમાં પાણીની આવક શરુ થઇ હતી.
સાબરકાંઠા જિલ્લામાં વરસાદ વરસવાને લઈને જળાશયોમાં પાણીની આવક શરુ થઇ હતી. ગુહાઈ, હાથમતી, હરણાવ, જવાનપુરા અને ગોરઠીયામાં ગઈકાલની પાણીની આવક શરુ થઇ હતી. જે હાલમાં ચાલુ છે. જોકે આવકમાં ઘટાડો થયો છે. હિંમતનગરના હાથમતી વિયર પરથી પાણી ઓવરફલો થઇ રહ્યું છે. જેને લઈને હિંમતનગરની હાથમતી નદીમાં પાણી આવ્યું છે.
સાંતલપુરના ડુંગરાળ વિસ્તારમાં ધોધમાર વરસાદ આવતા નદી નાળા જીવંત બન્યા છે. આલુવાસ ગામે કપિલા નદી તરીકે ઓળખાતી વહેણમાં નવા નીર આવ્યાં છે. ગર વિસ્તારનું પાણી મહાદેવ મંદિર નીચે બનાવેલ તળવમાં સંગ્રહ થાય છે. ભગવાન દ્વારકાધીશના જગત મંદિર પર ચાલુ વરસાદે ધ્વજારોહણ કરાયું છે. આજે વહેલી સવારથી જ દ્વારકામાં વરસાદની ફરી એક વખત ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને માર્ગો ભીના થયા હતા. આટલા વરસાદમાં પણ ભક્તોની શ્રદ્ધા અતૂટ રહી હતી. 56 સીડી પર વરસાદી પાણીનાં વહેતાં નીરમાં ભક્તો વરસાદી પાણીનો આનંદ લેતા નજરે પડ્યાં હતા.
- Advertisement -
જામનગરમાં સવાર ફરી પધરામણી શરૂ કરી છે અને શહેરમાં ધીમીધારે મેઘરાજાએ બેટિંગ કરવાનું શરૂ કર્યું છે. ત્યારે હવામાન ખાતાની આગાહી મુજબ જામનગર શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે તેમજ ગઈકાલે રાત્રિના પણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટછવાયો વરસાદ પડ્યો હતો.
ગઈકાલે વરસાદ મન મૂકી વરસ્યા બાદ આજે સવારે મહેસાણા સહિતના આજુબાજુ પંથકમાં વરસાદ ધીમીધારે શરૂ થયો છે. બનાસકાંઠાના કાંકરેજના તાણા ગામે વીજળી પડતા બે ભેંસોના મોત થયા છે. ખેતરમાં બાંધેલી ભેંસો ઉપર અચાનક વીજળી પડતાં બે ભેંસોના મોત
નિપજ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં વરસી ગયેલા અતિ ભારે વરસાદ બાદ છેલ્લા આશરે એકાદ સપ્તાહ દરમિયાન મેઘરાજાનો વિરામ રહ્યો હતો. આ પછી આજરોજ ખંભાળિયા જિલ્લાના જુદા જુદા ભાગોમાં પુન: મેઘરાજાએ પોતાની વૃષ્ટિ વરસાવી છે. જેમાં આજે વહેલી સવારે આશરે છથી સાત વાગ્યા સુધીના એક કલાકના સમયગાળા દરમિયાન બે ઈંચ (50 મિમિ) વરસાદ વરસી જવા પામ્યો છે. આ સાથે કલ્યાણપુર પંથકમાં પણ ચઢતા પહોરે એક ઈંચથી વધુ (30 મિમિ) પાણી પડી ગયું હતું. આ ઉપરાંત દ્વારકા તાલુકામાં આજે 11 મિમિ અને ભાણવડ તાલુકામાં 5 મિમિ વરસાદ નોંધાયો છે.



