ચોમાસામાં મુશ્કેલી થવાની ભીતિ, સેફ સ્ટેજની કામગીરી મેના અંત સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
રાજકોટ જિલ્લા પંચાયત હેઠળ આવતા 49 ગામને સિંચાઇ માટે પાણી પૂરું પાડતા 70 વર્ષ કરતાં વધુ જૂના 18 જેટલા ડેમનું માઇનર ઇરિગેશન સ્કીમ હેઠળ રૂ.18 કરોડના ખર્ચે રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટર એજન્સીને સપ્ટેમ્બર માસ સુધીનો સમય આપવામાં આવ્યો છે ત્યારે ચોમાસામાં ડેમના રિપેરિંગની કામગીરી ચાલતી હશે તો મુશ્કેલી થવાની ભીતિ જાણકારો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે બીજીબાજુ સત્તાવાર સૂત્રો દ્વારા સેફ સ્ટેજની કામગીરી મેના અંત સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક એજન્સીને અપાયાનો દાવો કરાયો છે.
- Advertisement -
રાજકોટ જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર દિવ્યેશ ગજેરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની માઇનર ઇરિગેશન સ્કીમ હેઠળ રાજકોટ પંચાયત સિંચાઇ હસ્તકના 70થી 80 વર્ષ જૂના કુલ 22 ડેમનું રિપેરિંગ કરવાનો નિર્ણય કરાયો છે. જેથી આગામી 30થી 40 વર્ષ સુધી ફરી આ ડેમમાં કોઇ રિપેરિંગ કરાવવું ન પડે. આ માટે એજન્સીને કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે અને તેમને સપ્ટેમ્બર સુધીમાં કામ પૂર્ણ કરવાની મુદત અપાઇ છે. ચોમાસાની સિઝન 15 જૂન આસપાસ શરૂ થતી હોય મેના અંત સુધીમાં સેફ સ્ટેજ સુધીની કામગીરી પૂર્ણ કરી લેવા તાકીદ કરાઇ છે. આથી ચોમાસા દરમિયાન વરસાદ પડે તો પણ પાણી વેડફાઇ નહીં અને સિંચાઇને કોઇ નુકસાન થાય નહીં.
આ ડેમને રિપેરિંગની કામગીરી હાથ ધરાઇ
આલણસાગર, સરતાનપર, રાજાવડલા, આધિયા, શિવસાગર, પાનેલિયા, સનાળા રાણીંગપર, ઓરી, રેવાણિયા, નાના માત્રા, હાથસણી, વનાળા, ગોખલાણા, ગોરૈયા, કોટડા, દેવધરી, પતિયાળી, વીરનગર
2500 હેક્ટર જમીનને કરાઇ છે સિંચાઇ
કાર્યપાલક ઇજનેર ગજેરાએ જણાવ્યું હતું કે, કુલ 49 ડેમને આ 18 ડેમમાંથી સિંચાઇનું પાણી પૂરું પાડવામાં આવે છે અને તેમાંથી 2500 હેક્ટર ખેતીની જમીનને સિંચાઇ માટે આખું વર્ષ પાણી પૂરું પાડવામાં આવે છે. ત્યારે જો કોન્ટ્રાક્ટર એજન્સી મેના અંત સુધીમાં સેફ સ્ટેજ સુધીની કામગીરી પૂર્ણ નહીં કરી શકે તો ખેડૂતોને આખું વર્ષ બગડવાની ભીતિ જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.



