અમરેલી જિલ્લામાં ફરી કાયદો-વ્યવસ્થાના લીરા ઉડ્યા
મહિલા સહિત આઠ વ્યકિત સામે ફરિયાદ
યુવતીને ભગાડી જવાના મનદુ:ખમાં માર માર્યો હોવાનો ખુલાસો
ખાસ-ખબર સંવાદદાતા
પાંચથી છ જેટલા યુવકો બે શખ્સને પાઈપ અને લાકડી વડે ઢોર માર મારતા હોવાનો એક વીડિયો અમરેલી જિલ્લામાં સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેંદ્ર બન્યો છે. પ્રાથમિક તપાસમાં આ વીડિયો બાબરા શહેરનો હોવાનુ સામે આવ્યું છે. યુવકોને ઢોર માર મારનારા વ્યકિતઓ સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ચર્ચાઓએ જોર પકડયું છે કે જિલ્લામાં કાયદો-વ્યવસ્થા સાવ કથળી ગઇ છે અને લોકો કાયદો હાથમાં લેતા વિચાર પણ કરતા નથી. જેમકે જિલ્લામાં પોલીસ જેવું કોઇ તંત્ર જ કાર્યરત નથી.
સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા વીડિયોમાં બે યુવકોને એક હોલમાં પાંચથી છ જેટલા શખ્સો દ્વારા ઢોર માર મારવામા આવી રહ્યો છે. વીડિયોમાં આરોપીઓ અપશબ્દો બોલતા જોવા મળી રહ્યા છે.
- Advertisement -
ભોગ બનનાર યુવક દ્વારા આ મામલે એક મહિલા સહિત આઠ વ્યકિત સામે પોલીસ ફરિયાદ નોંધાવવામા આવી છે. આરોપીઓ દ્વારા સૌ પ્રથમ ભોગ બનનારને સ્મશાનમાં પલંગ ચોરી મામલે પૂછપરછ કરવા બોલાવાયો હતો. ત્યારબાદ યુવતીને ભગાડી જવાનું મનદુ:ખ રાખી ઢોર માર મરાયો હોવાની ફરિયાદ નોંધાવવામા આવતા બાબરા પોલીસે મોટાભાગના આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધા છે.


