ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના ચેતનાબહેન તન્ના સ્થાપિત રાધારાણી ગ્રુપ હવે વેરાવળની બહેનોનો ઉત્સાહ વધારવા માટે પ્રયત્નશીલ થયું છે ત્યારે વેરાવળના ડભોરરોડનાં બગીચામાં રાધારાણી ગ્રુપ દ્વારા કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો. મહત્વનુ છે કે શિયાળો એટલે આરોગ્યવર્ધક ઋતુ અને તેમાં પણ વસાણાંનો ઉપયોગ કેવી રીતે કરવો તે મહત્વનુ છે ત્યારે એક વિષેશ વસાણાં હરિફાઈનું આયોજન કરાયું હતુ અને આ હરીફાઈમાં રીનાબહેન સોમૈયા દ્વારા નિર્ણાયકની ભૂમિકા નિભાવવામાં આવી હતી.
વસાણાં હરીફાઈમાં અને આરોગ્યવર્ધક વાનગી હરીફાઈમાં વેરાવળની બહેનોએ હોંસે હોંસે ભાગ લીધો હતો અને આદુંપાક, કાટલું પાક, બાવળિયો ગુદનો પાક, બીટનાં લાડુ, ખજૂર રોલ, ખજૂર પાક, ખજૂર કેક, તલ-સિંગ પાક તેમજ સુખડી અને વિવિધ પ્રકારના મિલેટ માંથી બનતી વાનગીઓ બનાવી નિર્દેશન કરવામાં આવ્યુ હતુ ખાસ વસાણા હરિફાઈમાં પ્રથમ ક્રમે શીતલબહેન મહેતા, બીજા ક્રમે નેહાબહેન મહેતા, ત્રીજા ક્રમે તૃપ્તિબહેન ગોટેચા અને ગીતાબહેન વડોદરિયા, ચોથા ક્રમે, ચેતનાબહેન મકવાણા તેમજ પાંચમા ક્રમે નિશાબહેન ઘોઘારી વિજેતા જાહેર થયા હતા. તમામ વિજેતા જાહેર થયેલ સ્પર્ધકોને ઇનામ આપી નવાજવામાં આવ્યા હતા અને ઉપસ્થિત તમામ સ્પર્ધકો માટે અલ્પાહારની આયોજકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી અને જુનાગઢનાં મહિલા અગ્રણી શીતલબહેન તન્નાની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
જૂનાગઢ રાધારાણી મહિલા મંડળ દ્રારા વેરાવળમાં યોજાઇ વસાણાં હરિફાઈ



