વોર્ડ કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધાના વિજેતા સ્પર્ધકોની ઝોન કક્ષાની સ્પર્ધા યોજાશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ એક સંયુક્ત યાદીમાં જણાવ્યું છે કે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગરની પહેલ અન્વયે લોકો યોગ કરતા થાય, યોગ અંગેની જાગૃતતા કેળવાય, લોકો નિરોગી રહે અને દરેક લોકોને સ્વસ્થ જીવનશૈલી અને તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજવામાં આવેલ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં આવતીકાલે તા.23ના રોજ સવારે 8:00 કલાકે ત્રણ સ્થળોએ ઝોન કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષસ્થાને યોજાશે. પ્રથમ તબક્કામાં ગઈકાલના યોજાયેલી વોર્ડ કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધાના વિજેતા સ્પર્ધકો ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. જેમાં ત્રણેય ઝોનમાં 36 -36 (કુલ-108) સ્પર્ધકો રહેશે.
સેન્ટ્રલ ઝોનમાં હોકી ગ્રાસ ગ્રાઉન્ડ, વીર સાવરકર ઇન્ડોર સ્ટેડીયમની બાજુમાં, રેસકોર્ષ ખાતે તથા ઈસ્ટ ઝોનમાં સ્વામી વિવેકાનંદ સ્વીમીંગ પૂલ, આડો પેડક રોડ ખાતે અને વેસ્ટ ઝોનમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્વિમિંગ પૂલ, જીમની સામેનું ગ્રાઉન્ડ, કાલાવડ રોડ ખાતે યોજાનાર ઝોન કક્ષાની આ સ્પર્ધામાં કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય અલગઅલગ સ્થળોએ ઉપસ્થિત રહેશે.
સેન્ટ્રલ ઝોનમાં શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા તથા વોર્ડ નં. 2, 3, 7, 13, 14, 17નાં કોર્પોરેટરો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહેશે. ઇસ્ટ ઝોનમાં શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલિયા તથા વોર્ડ નં. 4, 5, 6, 15, 16, 18ના કોર્પોરેટરો અને સ્થાનિક આગેવાનો અને વેસ્ટ ઝોનમાં શહેર ભાજપ મહામંત્રી ડો.માધવ દવે, વોર્ડ નં.1, 8, 9, 10, 11, 12ના કોર્પોરેટરો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહેશે.