ગુજરાતમાં ધો.12 સાયન્સના 1,19,263 અને સામાન્ય પ્રવાહના 5,01,286 એમ કુલ 6.20 લાખ પરીક્ષાર્થી હતા
રાજકોટ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 93.36% અને સામાન્ય પ્રવાહનું 93.69%
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.4
ધો-12 સાયન્સનું 84.33% અને સા.પ્રવાહનું 92.71% રિઝલ્ટ જાહેર થયું છે. 2026ની પરીક્ષામાં ધોરણ 12 સાયન્સના 1,19,263 અને સામાન્ય પ્રવાહના 5,01,286 એમ કુલ 6.20 લાખ પરીક્ષાર્થી હતા. રાજ્યના શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ ધોરણ-12નું પરિણામ જાહેર કર્યું છે, જેમાં વિજ્ઞાન તથા સામાન્ય બંને પ્રવાહના પરિણામો જાહેર થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી આ પરીક્ષા રાજ્યના કુલ 156 કેન્દ્રો પર યોજાઈ હતી, જેમાં વિજ્ઞાન પ્રવાહમાં 1,18,256 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમાંથી 93 હજારથી વધુ વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત કરી છે, જેના કારણે વિજ્ઞાન પ્રવાહનું કુલ પરિણામ 84.33 ટકા નોંધાયું છે. જિલ્લા મુજબ જોવામાં આવે તો મોરબી જિલ્લો પ્રથમ ક્રમે રહ્યો છે જ્યારે દાહોદ જિલ્લો અંતિમ ક્રમે નોંધાયો છે, તેમજ કેન્દ્ર મુજબ કુંભારીયા કેન્દ્રે પ્રથમ સ્થાન મેળવ્યું છે. બીજી તરફ, સામાન્ય પ્રવાહમાં 4 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા અને તેનું કુલ પરિણામ 92.71 ટકા નોંધાયું છે, જે નોંધપાત્ર ગણાય છે. રાજ્યભરમાં પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓ પોતાના પરિણામ જાણવા માટે ઉત્સુક બન્યા હતા અને શાળાઓ તથા ઓનલાઈન માધ્યમો પર ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. રાજકોટ જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 1% જેટલું વધીને 93.36% આવ્યું છે જયારે સામાન્ય પ્રવાહનું પરિણામ ગત વર્ષ જેટલું જ એટલે કે 93.69% જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અ1 ગ્રેડ 1184 વિદ્યાર્થીઓ અને અ2 ગ્રેડ 3669 વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યા છે. તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અ1 ગ્રેડ 199 વિદ્યાર્થીઓ અને અ2 ગ્રેડ 1444 વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યા છે. રાજકોટ જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં કુલ 7678 વિદ્યાર્થીઓએ નોંધાયા હતા. જેમાંથી 7671 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અને રાજકોટ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 23683 વિદ્યાર્થીઓએ નોંધાયા હતા જેમાંથી 23619 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ધોરણ 12 સાયન્સ
- Advertisement -
ધોરણ 12 સાયન્સમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર કુંભારીયા 98.62 ટકા છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર લીમડી-દાહોદ 42.98 ટકા છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો મોરબી 94.85 ટકા છે. સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ 57.44 ટકા છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહ
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો આહવા-ડાંગ 97.88 ટકા છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો અમદાવાદ શહેર 87.10 ટકા છે. વિદ્યાર્થીઓનું 90.10 ટકા પરિણામ અને વિદ્યાર્થિનીઓનું 95.41 ટકા પરિણામ આવ્યું છે, વિદ્યાર્થીઓની સરખામણીએ વિદ્યાર્થિનીઓનું 5.31 ટકા વધારે પરિણામ આવ્યું છે.
સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર કારઠ 64.88 ટકા છે
ધોરણ 12 સાથે ગુજકેટનું રિઝલ્ટ પણ જાહેર કરાયું છે. 1 લાખ 32 હજાર પૈકી 99 પર્સેન્ટાઈલ સાથે 1459 વિદ્યાર્થીઓ પાસ થયા છે. અ ગ્રુપમાં 695 વિદ્યાર્થી, ઇ ગ્રુપમાં 764 વિદ્યાર્થી અને 98 પર્સેન્ટાઈલ સાથે અ ગ્રુપના કુલ 1233 અને ઇ ગ્રુપમાં 1563 વિદ્યાર્થી પાસ થયા છે.



