ગુજરાતીમાં કહેવત છે કે, મન હોય તો માળવે જવાય. નવી કહેવત લખી લો: મન હોય તો જળસંગ્રહ થાય. રાજકોટના ગીરગંગા પરિવાર ટ્રસ્ટના દિલીપભાઈ સખિયા, કોર્પોરેટર કેતન પટેલ અને સંસ્થાની ટીમે રાજકોટના છેવાડાનાં વિસ્તાર ગણાતા કણકોટ ખાતે રંગોલી પાર્ક નજીક એક સુંદર સરોવરનું સર્જન કર્યું છે અને આ વર્ષે થયેલાં સારા વરસાદનાં કારણે 21 કરોડ લિટરની ક્ષમતાવાળુ આ વીર-વીરૂ જળાશય ઑવરફ્લો થઈ રહ્યું છે. આમ, એ સાબિત થઈ ગયું છે કે, નિષ્ઠા, દૃષ્ટિ હોય તો જળસંકટ હળવું કરી શકાય છે- તેને નાથી શકાય છે. સામાન્ય રીતે વૉંકળા આપણાં શહેરો માટે બોજ સમાન હોય છે અને ન્યૂસન્સ પોઈન્ટ બની રહેતાં હોય છે. તેનાં બદલે એ જ વૉંકળાનો જો જળસંગ્રહ માટે ઉપયોગ થઈ શકે તો તેનાંથી રૂડી ઘટના બીજી શી હોઈ શકે!
અમે તો સેવાભાવથી સહજ રીતે સહયોગ આપ્યો, પરિણામ જોઈને ખુબ રાજી થયા: બિલ્ડર દિલીપભાઈ લાડાણી
આજે વીર-વીરૂ સરોવરમાં 21 કરોડ લિટરની અગાધ જળરાશિ લહેરાઈ રહી છે. આ સફળતા પાછળ આર્થિક સહયોગ આપનાર બિલ્ડર બેલડી દિલીપભાઈ લાડાણી અને ચંદ્રકાન્તભાઈ ડેડાણિયાનો સહયોગ પણ ઓછો આંકી ન શકાય. આજે ‘ખાસ-ખબર’ સાથેની વાતચીતમાં દિલીપભાઈ લાડાણીએ જણાવ્યું હતું કે ‘અમે તો એકદમ સહજભાવથી, નિખાલસ મને આ સેવાકાર્ય અને સામાજિક પ્રોજેક્ટ સાથે જોડાયા હતાં. ટ્રસ્ટને ફંડની જરૂરિયાત હતી અમે એ વિસ્તારમાં ઘણાં પ્રોજેક્ટ કર્યાં છે- તેથી અમારી જવાબદારી સમજીને જોડાયા હતાં. આજે આ લહેરાતા પાણી જોઈને આંખો ઠરે છે અને સંતોષ તથા આનંદની લાગણી થાય છે!’
- Advertisement -
રાજકોટના છેવાડાનાં વિસ્તાર રંગોલી પાર્ક-કણકોટ ખાતે વોંકળા પર ચેકડેમ બાંધીને થયો જળસંગ્રહ
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના દિલીપ સખિયાના અને કોર્પોરેટર કેતન પટેલનાં પ્રયત્નોને મળી અપ્રતિમ સફળતા
- Advertisement -
તાજેતરમાં ભાજપના ડૉ. ભરત બોઘરા, મુકેશ દોશી, જયમીન ઠાકર વિગેરેએ સરોવરની મુલાકાત લીધી હતી.
વીર-વીરૂ અમૃત સરોવર જેવાં 200 જળાશયો બનાવાયા
ગીરગંગા પરિવાર ટ્રસ્ટએ વીર-વીરૂ અમૃત સરોવર જેવાં 200 આસપાસ જળાશયો સૌરાષ્ટ્રભરમાં બનાવ્યા છે. તેમની કાર્યપદ્ધતિની વિશિષ્ટતા એ છે કે, તેમણે અનેક જળાશયોમાં બોર પણ બનાવ્યા છે- જેથી વરસાદી જળ ભૂગર્ભમાં ઉતરે અને તળ સાજા થાય. આવા નવતર પ્રયોગને કારણે અનેક જળાશયોની આસપાસના વિસ્તારમાં તળ ઊંચા આવ્યા છે. વીર-વીરૂ અમૃત સરોવરમાં હાલ એકપણ બોર નથી, કારણ કે પાણી છલોછલ છે. પરંતુ પાણી ખૂટે ત્યારે વીસેક બોર અહીં બનાવવાનાં છે અને તે માટેનું ફંડ પણ તૈયાર છે.
સરોવર માટે બિલ્ડર દિલીપભાઈ લાડાણી અને ચંદ્રકાન્તભાઈ ડેડાણિયાનો સહયોગ
વીર-વીરૂ સરોવરની ઊંડાઈ પંદરથી બાવીસ ફૂટ જેટલી છે અને આ વૉંકળા પર ચેકડેમ બાંધવાનો ખર્ચ રૂપિયા 80 લાખ આસપાસ થયો છે. આટલા રૂપિયામાં આજકાલ રહેવાલાયક મકાન માંડ બને છે ત્યારે આ સદ્કાર્ય પાછળ ખર્ચ થયેલાં નાણાંનું સોગણું વળતર મળ્યું છે- તેમ કહીએ તો અતિશયોક્તિ ન ગણાય. આ સરોવરનું નિર્માણ લાડાણી બિલ્ડર્સના દિલીપભાઈ લાડાણી અને રવિ બિલ્ડર્સના ચંદ્રકાન્તભાઈ ડેડાણિયાના સહયોગથી થયું છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટનાં આ પ્રકારનાં દરેક પ્રોજેક્ટ જનભાગીદારીથી જ થઈ રહ્યાં છે.
સી. આર. પાટીલ આજે સરોવરના જળનાં વધામણા કરશે, બિલ્ડર્સ સાથે જનભાગીદારી માટે બેઠક કરશે
કેન્દ્રના જળશક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી સી. આર. પાટીલ આજે આ સરોવરમાં સંગ્રહિત થયેલાં જળનાં વધામણા કરવા આવી રહ્યાં છે. તેઓ સરોવર ખાતેનો કાર્યક્રમ સંપન્ન કર્યા બાદ રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનની એન્યુઅલ જનરલ મિટિંગમાં ઉપસ્થિત રહેવાનાં છે અને બિલ્ડરોને આ સત્કાર્યમાં સહયોગ આપવા અપીલ કરવાનાં છે.
વીર-વીરૂ અમૃત સરોવરનો ચમત્કાર: તળ ઊંચા આવ્યા
વૉંકળાનો ઉપયોગ ચેકડેમ તરીકે કરવા પાછળ અનેક લૉજિક છે. વૉંકળાના ન્યૂસન્સનું સરોવરમાં રૂપાંતર થાય, જળસંકટ વખતે પાણી કામ લાગી શકે. પરંતુ એક સૌથી મહત્ત્વનો આશય છે, જમીનનાં તળ ઊંચા લાવવા. એક સમયે રાજકોટ શહેરમાં ત્રીસ-ચાલીસ ફૂટે ડંકી-બોરમાં પાણી આવી જતું. આજે અનેક વિસ્તારોમાં બે-ત્રણ હજાર ફૂટે પણ માંડ પાણી આવે છે. એ પણ એટલું ક્ષારયુક્ત હોય છે કે, પીવામાં તેનો ઉપયોગ કરવો અસંભવ છે. આવું પાણી આરોગ્ય માટે પણ જોખમી છે. આવા ચેકડેમ તળ ઊંચા લાવવામાં બહુ કારગત નિવડ્યા છે. વીર-વીરૂ અમૃત સરોવર બન્યું તે પહેલાં આ વિસ્તારમાં બેથી ત્રણ હજાર ફૂટ ઊંડા બોર કરીએ તો જ પાણી આવતું હતું. સરોવરમાં જળસંગ્રહ થવાથી પાણીનું લેવલ ઊંચું આવ્યું છે. હવે માત્ર બસ્સો-ત્રણસો ફૂટ સુધી બોર લઈ જઈએ તો પણ પાણી આવી જાય છે.