ચૂંટણી ફોર્મની સાથે આપેલા સોગંદનામા મુજબ આર્થિક રીતે સધ્ધર ઉમેદવારોની યાદી
વોર્ડ નં. 2ના ભાજપના ઉમેદવાર ધૈર્ય પારેખનું મ્યુચ્યુઅલ ફંડમાં 67 લાખનું રોકાણ જ્યારે ‘આપ’ ના દિનેશ જોશી પાસે 4 કરોડથી વધુના જમીન-પ્લોટ
- Advertisement -
ભાજપના વોર્ડ નં.14ના ઉમેદવાર હિરેન લાભુભાઈ ખીમાણીયા પાસે 23 કરોડથી વધુની પ્રોપર્ટી
ભાજપના 72 ઉમેદવારોમાં 50%થી વધુ ધોરણ 12 પાસ, 4 ઉમેદવારો ઙવઉ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે, ત્યારે ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવેલી એફિડેવિટમાં તેમની સંપત્તિના આંકડાઓએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. રાજકોટ શહેરની મહાનગરપાલિકા સૌરાષ્ટ્રની સૌથી મોટી સત્તાધારી સંસ્થા હોવાથી તેના પરિણામો અન્ય ચૂંટણીઓ પર પણ અસર પાડતા હોય છે. આ વખતે 26 એપ્રિલે યોજાનારા મતદાન માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ 18 વોર્ડમાં પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે, જેમાં આર્થિક રીતે સધ્ધર એવા અનેક ’કરોડપતિ’ ઉમેદવારોનો સમાવેશ થાય છે.
ચૂંટણી ફોર્મમાં રજૂ કરેલી વિગતોના પ્રાથમિક અભ્યાસ મુજબ, રાજકોટના આર્થિક ધુરંધર ઉમેદવારોમાં ભાજપના વોર્ડ નં. 3 ના ઉમેદવાર અને પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ (ટીકુભા) જાડેજા પ્રથમ સ્થાને છે. 43 વર્ષીય નરેન્દ્રસિંહ પાસે 40 કરોડથી વધુની મિલકતો છે. તેઓ શિક્ષણમાં ભલે ધોરણ-8 પાસ હોય, પરંતુ વારસામાં મળેલી જમીનો અને આર્થિક સૂઝબૂઝના કારણે તેઓ 72 ઉમેદવારોમાં સૌથી ધનાઢ્ય છે. તેમની પાસે 18.70 લાખનું બેંક બેલેન્સ છે, જ્યારે તેમના પત્ની પાસે 16 લાખની રોકડ રકમ છે.
સંપત્તિની યાદીમાં બીજા ક્રમે ભાજપના જ વોર્ડ નં. 14 ના ઉમેદવાર હિરેન લાભુભાઈ ખીમાણીયા આવે છે, જેમની પાસે 23 કરોડથી વધુની પ્રોપર્ટી છે. ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા 35 વર્ષીય હિરેનભાઈ ઙવ.ઉ. ની ડિગ્રી ધરાવે છે અને તેમની પાસે 12 ટ્રક તેમજ ત્રણ લક્ઝરી કાર છે. જ્યારે આમ આદમી પાર્ટીના રાજકોટ શહેરના પૂર્વ પ્રમુખ અને વોર્ડ નં. 8 ના ઉમેદવાર શિવલાલભાઈ બારસિયા 19 કરોડથી વધુની મિલકતો સાથે ત્રીજા ક્રમે છે. તેમની પાસે 8.37 લાખની રોકડ છે, જોકે વાહન તરીકે તેમની પાસે માત્ર એક ‘એક્ટિવા’ જ હોવાનું દર્શાવાયું છે.
ચોથા ક્રમે ભાજપના જ વોર્ડ નં. 10 ના ઉમેદવાર ઘનશ્ર્યામ હેરભા છે, જેઓ જમીન-મકાન અને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને 17.50 કરોડથી વધુની અસ્કયામતો ધરાવે છે. પાંચમા સ્થાને કોંગ્રેસના અનુભવી નેતા વશરામભાઈ સાગઠિયા છે, જેમની પાસે 4 કરોડથી વધુની સંપત્તિ છે. વશરામભાઈ સંપત્તિમાં ભલે પાંચમાં ક્રમે હોય, પરંતુ સોનાના મામલે તેઓ તમામ ઉમેદવારોમાં ‘સુપરસ્ટાર’ સાબિત થયા છે. તેમની પાસે 1.13 કરોડની કિંમતનું 2400 ગ્રામ સોનું છે.
આ ઉપરાંત અન્ય જાણીતા ઉમેદવારોની વાત કરીએ તો પૂર્વ મેયર ડો. પ્રદીપ ડવ પાસે આશરે 2 કરોડની સંપત્તિ છે, જ્યારે કોંગ્રેસના અતુલ રાજાણી પાસે 1.20 લાખનું બેંક બેલેન્સ અને સવા કરોડનું ફ્લેટ છે. ‘આપ’ ના દિનેશ જોશી પાસે 4 કરોડથી વધુની જમીન-પ્લોટ છે. નોંધનીય બાબત એ છે કે, ઘણા ઉમેદવારો ‘ઓન પેપર’ ગરીબ દેખાય છે કારણ કે તેમની મિલકતો પરિવારના અન્ય સભ્યોના નામે હોય છે, પરંતુ ચૂંટણી મેદાનમાં આ ‘કરોડપતિ’ ઉમેદવારો વચ્ચેનો જંગ રાજકોટની જનતા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.



